શ્રાવણ મહિનો ચાલુ થતાં ભરૂચમાં ફૂલનો પણ બે દિવસથી ભાવમાં વધારો થયો છે, તેમ છતાં ત્રણ ઘણું વેચાણ વધ્યું છે. શ્રાવણ મહિનો ચાલુ થતાં લોકો મહાદેવના દર્શન માટે જાય છે. ત્યારે ફૂલોના હાર મહાદેવને ચડાવે છે.
જેથી ફૂલોના ભાવ વધવા છતા લોકો દ્વારા ફૂલોની ખરીદી કરવામાં આવી હતી. સામાન્ય દિવસોમાં અંદાજે 3 હજાર કિલો ફૂલોનું વેચાણ થતું હતું. જે વધીને હાલ 12 હજાર કિલો થયું છે. સાથે ફૂલોના ભાવમાં પણ વધારો થયો છે, જેમાં ગુલાબનો ભાવ 50 રૂપિયાના કિલો હતાં જે વધીને 250 થયા છે. ગોટા 30 રૂપિયાના કિલો મળતા હતા, જે હાલ 80 રૂપિયે મળી રહ્યા છે. આમ ફૂલના ભાવમાં અડીખમ વધરો થયો છે.
તેમ છતાં સવારના ચાર કલાક મા જ 12 હજાર કિલો ફૂલોનું વેચાણ થયું હતું. જોકે દિવસ દરમિયાન પણ ફૂલોનું વેચાણ ચાલી રહ્યું હતું. આમ ફૂલનું વેચાણ વધતાં વેપારીઓની ચાંદી થઈ છે. તેમજ શ્રાવણ મહિનો ચાલશે ત્યાં સુધી ફૂલોનું ધૂમ વેચાણ થશે. ફૂલના વેપારીએ જણાવ્યું હતું કે હાલ ફૂલનો ભાવ અને વેચાણ વધ્યું છે. તમામ ફૂલો મહારાષ્ટ્રથી આવે છે. તેમજ ફૂલોની ગુણવત્તા પ્રમાણે ભાવમાં વધારો ઘટાડો થાય છે.
સારા ફૂલ હોય તો ભાવ વધે છે. હાલ શ્રાવણ મહિનો ચાલુ થતાં ફૂલ નું વેચાણ બે દિવસથી વધ્યું છે. ભરૂચ જિલ્લામાં ગોલ્ડનબ્રિજની નીચે ફૂલ બજાર ભરાઇ છેે અને ત્યાં શુકલતીર્થ, મંગલેશ્વર, અંગારેશ્વર સહિતના ગામોમાંથી ગલગોટા, ગુલાબ સહિતના ફૂલો ખેડૂતો વેચાણ માટે આપી જતાં હોય છે.

