મહેસાણા ‘ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત’ના નારા વચ્ચે મહેસાણા જિલ્લાની ગોઝારીયાની કન્યા અને કુમાર શાળામાં વિદ્યાર્થીઓ જર્જરિત ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. મહેસાણામાં ૧૯૭૩ થી જૂના સિમેન્ટના પતરાવાળા આ ઓરડા ૨૦૨૧ થી ડેમેજ જાહેર થયા હોવા છતાં નવા ઓરડા બન્યા નથી.કન્યા શાળામાં કુલ ૧૪ રૂમ પૈકી ૮ રૂમ ડેમેજ હોવાથી ૩૩૩ વિદ્યાર્થીનીઓને બાકીના ૬ રૂમમાં ૨ પાળીમાં અભ્યાસ કરવો પડે છે.
કુમાર શાળામાં પણ ૧૬ રૂમ પૈકી ૧૧ રૂમ ડેમેજ હોવાથી ૧૯૫ વિદ્યાર્થીઓને ૫ રૂમમાં ૨ પાળીમાં અભ્યાસ કરવો પડે છે. ગોઝારીયાની કુમાર શાળામાં પણ સિમેન્ટના પતરાવાળા ૧૬ ઓરડા છે. આ ૧૬ ઓરડા પૈકી ૧૧ ઓરડા ને ૨૦૨૧ થી ડેમેજ સર્ટી આપી ડેમેજ જાહેર કરાયા છે. બાકીના વધેલા પાંચ ઓરડા માં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે. કુમાર શાળામાં ૧૯૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હવે ૧૯૫ વિદ્યાર્થીઓને પાંચ ઓરડામાં અભ્યાસ મુશ્કેલ હોય કુમારશાળામાં પણ બે પાળીમાં અભ્યાસ કરાવાય છે.
સવારે ધોરણ ૧ થી ૫ અને બપોરે ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. અહીં પણ ૨૦૨૧ થી અત્યાર સુધી નવા ઓરડાની માંગણી તો કરાય છે પરંતુ મંજૂર થયા નથી જેને કારણે આ સ્થિતિ જાેવા મળી રહી છે. જાણવા મળેલ માહિતી મુજબ ૧૯૭૩ માં જે શાળા બની હતી તેવા સિમેન્ટના પતરાવાળા ઓરડાની સ્થિતિ આ શાળામાં આજે પણ જાેવા મળી રહી છે.
અત્યારે બાળકો પણ આજ સ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે શાળાના આચાર્યો અને શિક્ષકોએ નવા ઓરડા માટે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ર્નિણય લેવાયો નથી. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ સરકાર પાસેથી નવા ઓરડાની મંજૂરી મળવાની રાહ જાેઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર પડી રહી છે. જર્જરિત ઓરડામાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકે છે અને તેઓ યોગ્ય રીતે અભ્યાસ કરી શકતા નથી.