જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રીકસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ જામનગરના પ્રાર્થના હોલમાં જામનગર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારબાદ બાદ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટ રાજકોટના એ.પી.પી શ્રી આર.એસ.સિંધી દ્વારા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ, જુવેનાઈલ જસ્ટીસ રૂલ્સની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
તેમજ દ્વારકા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી શ્રી પી.એમ ખેરાળા દ્વારા પોક્સો એક્ટ ૨૦૧૨ની સમજણ આપવામાં આવી હતી. અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ટોબેકો સાઈકોલોજીસ્ટ નજમાબેન હાલા દ્વારા ટોબેકો નિયંત્રણ વિષે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગરના લીગલ કમ પ્રોબેશન ઓફિસરશ્રી જ્યોત્સ્નાબેન હરણ દ્વારા બાળ લગ્ન વિષે માહિતી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જામનગર શ્રી રણછોડભાઈ જે. શિયાર દ્વારા સમાજ સુરક્ષા તેમજ બાળ સુરક્ષા એકમમાં ચાલતી વિવિધ યોજનાઓ તેમજ દતક વિધાન વિષે સમજ આપવામાં આવી હતી. તમામ તાલીમાર્થીઓને નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ નશો નહિ કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળના સેક્રેટરીશ્રી જે.પી.પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડૉ.પ્રાર્થનાબેન વી.શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી રણછોડભાઈ જે. શિયાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી વજુભાઈ અજુડિયા, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના પ્રમુખશ્રી કરશનભાઈ ડાંગર વગેરે ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

