કલકત્તામાં ટ્રેઇની તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં વિરોધ નોંધાઈ રહ્યો છે.જેના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન નેજા હેઠળ જેતપુર શહેરના તબીબો મામલતદારને આવેદનપત્ર આપી પીડિતાને પરિવારને ન્યાય મળે તેવી માંગણીઓ કરી હતી.
જેતપુર શહેરમાં તબીબોએ ઇન્ડિયન મેડિકલ એસોસીએશન ના નેજા હેઠળ આજે સવારથી પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખી કલકત્તામાં એક ટ્રેઇની ડોકટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધ નોધાવ્યો હતો. શનિવારે સવારથી જ શહેરના તબીબોએ પોતાની હોસ્પિટલ માં અને કલીનીક બંધ રાખતા અનેક દર્દીઓ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.તબીબોએ જેતપુર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં તેઓએ કલકત્તામાં બનેલી ઘટના અંગે દુઃખ વ્યકત કરીને આ ટ્રેઇની ડોક્ટર સાથેની ઘટનામાં જે આરોપીઓ સંડોવાયેલા હોય તેમને પકડી કડકમાં કડક સજા કરાય તેવી માંગ સાથે તબીબો પર થતા હુમલાઓ અંગે સરકાર દ્વારા કાયદા બનાવાની માંગ કરાઈ હતી.

