Gujarat

ગરમીને લીધે લીલા શાકભાજીના ભાવ સપ્તાહમાં દોઢ ગણા વધ્યા, છૂટક બજારમાં લીંબુ-આદુનો ભાવ રૂ.200એ પહોંચ્યો

અમદાવાદ એપીએમસી માર્કેટમાં ઉનાળું શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની સીધી અસર વિવિધ શાક ભાવ પર પડી છે. ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ લીલા શાકભાજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. રીંગણ, ફુલાવર, વાલોર, બટાકા, મરચા, દૂધી, ભીંડા, કારેલા, કોથમીર વગેરેના ભાવમાં 15 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

એપીએમસીના વેપારીઓનું કહેવું છે કે, ગરમીમાં શાકભાજીની આવક 10થી 15 ટકા ઓછી થઈ છે, પહેલા રોજ 18થી 19 હજાર ક્વિન્ટલ શાકભાજી આવતું હતું. જે ઘટીને 14થી 15 હજાર ક્વિન્ટલ થઈ ગઈ છે.

ડુંગળી, કોથમીર, સૂકું લસણ, આદુ, મરચા, અને ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે લીંબુ, ચોળી, આદુ, કારેલા, ગુવાર, ટીંડોળાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. શાકભાજી માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે, શાકભાજીના ભાવમાં થતી વધઘટ જથ્થા અને માંગ આધારિત નક્કી થાય છે.

શાકભાજીની ક્વોલિટી અને જથ્થો, આયાત-નિકાસનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચને આધારે શાકભાજીના ભાવ નક્કી થતા હોય છે. અઠવાડિયા પહેલા રૂ.130માં પ્રતિ કિલોના ભાવે મળતું આદું હાલમાં 150થી 200 વેચાય છે. જ્યારે લીંબુ રૂ.110ના બદલે 150થી 200માં વેચાય છે, ચોળી રૂ.130, ગવાર રૂ.80, કારેલા રૂ.70થી 80 પ્રતિ કિલોના ભાવે મળે છે. હોલસેલમાં 25 રૂપિયે મળતા બટાકા છૂટક બજારમાં 40 રૂપિયા સુધી વેચાય છે.

​​​​​​​રોજ 3થી 4 હજાર ક્વિન્ટલ શાકભાજી ઓછું આવે છે

ઉનાળાની શરૂઆત સાથે એપીએમસીમાં શાકભાજીની આવકમાં 10થી 15 ટકા ઓછી થઇ છે. પહેલા રોજની 18થી 19 હજાર ક્વિન્ટલ શાકભાજી આવતું હતું. જે ગરમીમાં ઘટીને 14થી 15 હજાર ક્વિન્ટલ થઇ ગયું છે. આમ સરેરાશ 3થી 4 હજાર ક્વિન્ટલ શાક ઓછું આવે છે. જેથી ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. – સંજય પટેલ, સેક્રેટરી, એપીએમસી અમદાવાદ