Gujarat

હાલારમાં સતત બીજા દિ’એ ચેકીંગ 38.70 લાખની વીજચોરી પકડાઈ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વિજ તંત્ર દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં સવારથી શહેર ઉપરાંત દેવભૂમિ દ્વારકાના જુદા જુદા ગામોમાં વિજતંત્રની 31 ટીમો દ્વારા વીજ ચેકીંગ કરાયુ હતુ.

વીજ ટીમો દ્વારા 404 જોડાણોની તપાસણી કરાતા 69 વીજ જોડાણમાં ગેરરિતિ માલુમ પડતા સંબંધિતોને રૂા. 38.70 લાખના દંડનીય બીલ ફટકાર્યા હતા.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા દિવાળી પર્વના સમાપન બાદ તુરંત જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે

જેમાં ગુરૂવારે સતત બીજા દિવસે પણ વિજ તંત્રની જુદી જુદી 31 ટીમ દ્વારા વીજ ચેકીંગ કરવામાં આવ્યુ હતુ જેમાં શહેરના કાલાવડ નાકા બહારના અમન ચમન સોસાયટી, મહાપ્રભુજી બેઠક, માર્કેટીંગ યાર્ડ સહિતના વિસ્તારોમાં વિજ ચેકીંગ કરાયુ હતુ.

જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટુંપણી, ચરકલા, અણીયારી, નાગેશ્વર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વિજ તંત્રની જુદી જુદી ટીમો ત્રાટકી હતી.

આ ચેકીંગ ડ્રાઇવમાં દિવસ દરમિયાન વિજ તંત્રની જુદી જુદી 31 ટીમ દ્વારા 404 વીજ જોડાણોની ચકાસણી કરાઇ હતી જેમાં 69 વીજ જોડાણમાં ગેરરિતિ માલુમ પડતા સંબંધિત આસામીઓને રૂા. 38.70 લાખના દંડનીય બિલ આપવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન વીજ ચેકીંગમાં બાર એકસ આર્મીમેન તથા 15 સ્થાનિક પોલીસ જવાનો પણ બંદોબસ્તમાં જોડાયા હતા.

બે દિવસમાં 90 લાખથી વધુની ગેરરિતી પકડાઇ વિજ તંત્રની જુદી જુદી ટીમો દ્વારા કોર્પોરેટ ડ્રાઇવ અંતર્ગત સતત બીજા દિવસે ગુરૂવારે પણ વીજ ચેકીંગ યથાવત રાખવામાં આવ્યુ હતુ જેમાં રૂા. 38.70 લાખની ગેરરિતી પકડી પાડી હતી.

જયારે બુધવારે પણ એક જ દિવસમાં વિજ તંત્રની ચેકીંગ ટીમોએ અડધા કરોડથી વધુની ગેરરીતી જણાતા લગભગ રૂા. 52.05 લાખના દંડનીય બીલ ફટર્કાયા હતા.