જામનગરમાં આડેધડ પાર્ક થતા વાહનો અને પાર્કિંગ સમસ્યાને કાબૂમાં લેવા મનપાએ બનાવેલી પાર્કિંગ પોલીસી સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધ થયા બાદ પણ તેની અમલવારી અધ્ધરતાલ હોય અનેક સવાલ ઉઠ્યા છે. શહેરમાં મુખ્ય અને આંતરિક માર્ગો પર વાહન પાર્કિંગના પ્રશ્નો નિવારવા મહાપાલિકાએ બનાવેલી પોલીસનો હજુ સુધી અમલ ન થતાં ટ્રાફીક સમસ્યા વધુ વિકરાળ બની છે.
મહાનગરપાલિકાને પાર્કિંગ પોલીસી અમલવારીમાં કયો ગ્રહ નડે છે તે સમજાતું નથી. જામનગરમાં ટ્રાફીક સમસ્યા ધીમે ધીમે અણઉકેલ દિશા તરફ આગળ વધી રહી છે. જેના કારણે શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે.
ટ્રાફીક સમસ્યા કેન્સર સમાન બનાવાનું એક મહત્વનું કારણ શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ કરવામાં આવતા વાહનનો પાર્કિંગ પણ છે. આથી શહેરમાં વાહન પાર્કિગના પ્રશ્નો નિવારવા અને શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓમાં આડેધડ થતાં વાહન પાર્કિંગને કાબૂમાં લેવા મહાપાલિકાએ વર્ષ-2021માં પાર્કિગ પોલીસી બનાવી છે.
જે અનુસાર શહેરના તમામ 9 મીટરથી મોટા માર્ગ પર વાહન પાર્કિગનો ચાર્જ શહેરીજનોએ ચૂકવવો પડશે. જેમાં શહેરમાં મુખ્ય 12 માર્ગો કે જે શહેરના પ્રાઇમ રોડ ગણાય છે તે રોડ પર અન્ય રોડ કરતા વધુ ચાર્જ ચૂકવવો પડશે.
આ પાર્કિંગ પોલીસી વર્ષ-2021માં પ્રથમ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટી અને ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ લોકોના વાંધા સૂચનો મંગાવ્યા બાદ સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધિ માટે મોલકવામાં આવી હતી. આ પોલીસી સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધિ થવા છતાં હજુ સુધી તેની અમલવારી શહેરમાં કરવામાં ન આવતા પાર્કિગનો પ્રશ્ન વધુ વિકરાળ બન્યો છે.

