Gujarat

ભોલાવની આદીવાસી વિધવા મહિલા ને સાડા છ વર્ષ પછી પણ તેનો પ્લોટ આપવાના ઠરાવનો અમલ થઇ શકયો નથી

ટીડીઓ, ડીડીઓ, કલેકટર અને જીલ્લા પોલીસ વડા પણ મહીલાને તેમના હક્કનો પ્લોટ અપાવી શક્યા નથી
પ્લોટ આકારણીપત્રક પર રમીલાબેનના નામે છતાં મહીલા બાળકો સાથે દરબદર ભટકી રહી છે, પંચાયત ન્યાય-ન્યાયની રમત રમે છે
પારદર્શક વહીવટ અને સામાજીક ન્યાયની વાતો કરતી સરકારના વહીવટદારો એક વિધવા મહીલાને તેના રહેવા માટેનો જમીનનો ટુકડો નથી આપી શકતા. ભરૂચની ભોલાવ ગ્રામપંચાયતનો આ શરમજનક કિસ્સો છે. પણ જે તે વખતના સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચથી માંડીને કોઇને પણ લાજ તો આવતી નથી બલ્કે ગાજ્યા કરે છે.
સામાજીક ન્યાય અને સ્ત્રી સશક્તિકરણના કીર્તન કરવા છાશવારે મંડી પડતી ભજનમંડળી ભોલાવ ગામની વિધવા મહિલા રમીલાબેન નટવરભાઈ વસાવાની મદદે જવા તૈયાર નથી. બલ્કે તેના કેસને વધુ ગુંચવવા ભોલાવ વહીવટીતંત્ર  તૈયાર થઇને બેઠું છે.
અગાઉ પ્રસિદ્ધ થઇ ચુકેલા અહેવાલ અનુસાર ભોલાવ ગામની વિધવા મહિલા રમીલાબેન નટવરભાઈ વસાવાનું જુનું રહેણાંક મકાન જે ભોલાવ ગામમાં તળાવની પાળે હતું,  તે જે તે સમયે બની રહેલા ઓવર બ્રીજમાં નડતર રૂપ ગણાવીને  તે જગ્યા સરકાર હસ્તક કરી લેવામાં આવી હતી. બદલામાં રમીલાબેનને ભોલાવ દૂધધારા ડેરીની વિસ્તારમાં આવતો બાવીસ નંબરનો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. રમીલાબેન પાસેથી ભોલાવ પંચાયતે નક્કી કરેલો વર્ષ ૨૦૨૩-૨૪નો રૂ.૨૭૦૦/- વસૂલ પણ કરી લીધો હતો.,
પરંતુ કોણ જાણે કેમ, પણ આ  વિધવાને આ નવો ૨૨ નંબરનો પ્લોટ આજદિન સુધી મળ્યો નથી. શું વિધવા મહિલા રમીલાબેન નટવરભાઈ વસાવાના પ્લોટ ઉપર કોઈ લેન્ડ ગ્રબરે ગેરકાયદેસર બાંધકામ કરીને અતિક્રમણ કર્યું છે…? તેમાં કોઈ સરકારી અધિકારી, વચેટીયાઓ, દલાલો અથવા તો ગ્રામ પંચાયત સત્તાવાળાઓ પણ તેમાં મિલીભગત રાખી રહ્યા છે કે કેમ..? તેની પણ ન્યાયિક તપાસ સાથે કસુરવારો સામે ન્યાયોચિત પગલા ભરાવા જોઈએ જે હજુ સુધી ભરાયાં નથી. રમીલાબેનને પ્લોટની ફાળવણી આજથી લગભગ સાડા છ વર્ષ થયા પણ ભોલાવ ગ્રામ પંચાયતના તે વખતના સરપંચ, જે હાલના ડેપ્યુટી સરપંચ છે, તેમના પેટનું પાણી હાલતું નથી.
વિધવા મહિલા રમીલાબેન વસાવાએ  તાલુકા વિકાસ અધિકારીને, જીલ્લા વિકાસ અધિકારીને તેમજ જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ વડાને પણ અરજ ગુજારી હતી. આમાંનો કોઇ અધિકારી તેમની મદદે દોડ્યો નથી, એ સરકારી તંત્રની બલિહારી છે. તેમને મળેલા ૨૨ નંબરના પ્લોટ પર અનધિકૃત લેન્ડ ગ્રેબિંગ કરવામાં કોની મદદથી લેન્ડગ્રેબર કેવી રીતે સફળ થયો છે તે પણ તપાસ કરવાની તંત્રને ફુરસત નથી.
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં જે સરકારી આવાસો , પ્લોટો ફળવાયેલા છે તેમાં બિન અધિકૃત ભાડે અને વેચાણે  અપાયેલા છે કે કેમ? તેની પણ લગતા વળગતા સરકારી બાબુઓએ આજદિન કોઈ તપાસ કરવાનો પ્રયાસ કર્યો નથી. જે જે પ્લોટો અને આવાસો ફાળવાયેલા છે તેની શરતોનું પાલન થાય છે કે નહીં તે જાણવાની પણ તેમની તૈયારી નથી.
મહીલાનું તૈયાર મકાન પચાવી પાડીને ભોલાવ પંચાયત મકાન બાંધી આપવાના બદલે શરતો મુકીને મહીલા પર માનસિક દબાણ ઊભું કરી રહી છે.
પ્લોટ આકારણીપત્રક પર રમીલાબેનના નામે ચડી ગયો છે
ગ્રામ પંચાયત, ભોલાવમાં રમીલાબેન વસાવાની મિલકત ૨૦૨૩-૨૪માં આકારણી પત્રક ઉપર ક્રમ નં.૧૧૨૧૬ થી ચડી ગયેલ છે તેમ છતાં તેમની મિલકત ઉપર અતિક્રમણ કરનાર કોણ છે…?  તેની પણ ગ્રામ પંચાયત સત્તાવાળાઓએ કોઈ તપાસ પણ નહિ કરી હોય…? તો સરકારી કચેરીઓમાં આપેલી અરજી સંદર્ભે પણ કોઈ તપાસ કેમ નથી થયેલ ..? શું જે લેન્ડ ગ્રેબિંગ કરેલ ઇસમ તરફથી લેતી દેતીના વ્યવહારો થયેલા છે કે કેમ..? તેની પણ પોલીસ રાહે તપાસ કરી ન્યાય મળવો જોઈએ.
માલિકીનું મકાન છતાં મહીલાને બાળકો સાથે દરબદર ભટકવું પડે છે 
ત્રણ બાળકો સાથે મિલકત હોવા છતાં પોતાના સગાં વ્હાલાઓને ત્યાં મજબુર બનીને રઝળપાટ કરી રહેલી વિધવા આદિવાસી મહિલાને પગભર અને સશક્તિકરણના પાઠ કોણ શીખવાડશે અમને ન્યાય કયારે મળશે તો જેને તેમની મિલકત પચાવી પાડી છે તે લેન્ડ ગ્રેબરને સજા ક્યારે થશે તેમજ તેમાં સહયોગ આપનાર મદદગારો સામે પણ પગલાં ક્યારે ભરાશે…? મહીલા શક્તિના નામે ધારાસભા અને સંસદ ગજાવતા શાસકો આ મહીલાને મદદ કરી શકે. પણ તે તેમની ઇચ્છાશક્તિ પર આધાર રાખે છે.
વહીવટીતંત્ર ગ્રેબિંગ કરનારથી ડરી રહ્યું છે
ગ્રામ પંચાયત સત્તાવાળાઓ દ્વારા પણ આ મહિલાને “તમારો પ્રશ્ન ઉકેલી નાખશું, ન્યાય અપાવીશું”  તેવા લૂખા આશ્વાસનો જ અપાય છે ત્યારે સરકારી રાહે રમીલાબેન વસાવાને સરકારી રાહે સનદ સુપ્રત કરીને ફાળવેલ પ્લોટ નં.૨૨ નો ૩૦ બાય ૧૫ પ્લોટ ક્યારે મળશે..? હકીકતમાં પ્લોટ દબાવી લેનાર સામે પગલાં લેતાં તંત્ર જબ્બર ડરતું હોય તેવો અહેસાસ થાય છે.
બે વર્ષમાં મકાન બાંધી દેવાની શરત હતી
મહીલાનું જૂનું તૈયાર મકાન પચાવી પાડીને ભોલાવ પંચાયત મકાન બાંધી આપવાના બદલે શરતો મુકીને મહીલા પર માનસિક દબાણ ઊભું કરી રહી છે. છેક ફેબ્રુઆરી ૨૦૧૮માં પ્લોટ આપતી વખતે બે વર્ષમાં મકાન બાંધવાની શરત હતી. પણ મહીલાના પ્લોટ પર કોઇ અનધિકૃત ગ્રેબિંગ થયું હોવાની રજૂઆત પછી પણ હાલના ડેપ્યુટી સરપંચે કોઇ પગલાં લીધા નહી. હકીકતમાં ઠરાવ થયો ત્યારે તેઓ સરપંચ હતા. તેથી આ મહીલા તેના સંતાનો સાથ દરબદર ભટકી રહી છે.
ભોલાવ ગ્રામ પંચાયતે છ વર્ષ પહેલાં ઠરાવ કર્યો હતો
આ મહીલાને ભોલાવ ગ્રામ પંચાયતે તેની સામાન્ય સભામાં વર્ષ ૨૦૧૮ની ફેબ્રુઆરીની ૨૮મી તારીખે પ્લોટની માલિકીનો ઠરાવ કર્યો હતો. અને ૨૪૦૦ રૂપિયાનૌ વેરો પણ વસૂલી લીધો છે. પરંતુ આજે પણ  આ મહીલા પોતાના માલિકીના ઘરથી વંચિત છે તે સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તેમના મળતીયાઓની ટીમના વહીવટના પ્રતાપે મહીલાને તેનો હક્ક પ્રાપ્ત થયો નથી. સવાલ તો એ છે કે સરપંચ ગામનો વહીવટ પણ આવી જ રીતે કરતા હશે ?
પોતાને લોકપ્રિય ગણાવતા નેતાઓ સંતાઇ ગયા છે
જેમ એક્સપ્રેસ ટ્રેન નાના સ્ટેશનોને છોડી દે તેમ ચૂંટાયેલા અને પોતાને લોકપ્રિય ગણાવતા નેતાઓએ આ નાનકડા ગણાતા કિસ્સામાં પોતાની ચાંચ ડુબાડી નથી અને આઘા રહ્યા છે. બીજા વર્ગના સત્તાવાર અધિકારીને રસ્તા પર સરેઆમ ખખડાવી નાખતા એક નેતાએ પોતે આદીવાસી હોવા છતાં પણ આ મહીલાની વહારે ચડવાની હિંમત કરી નથી. એનો અર્થ એ કરી શકાય કે ભોલાવના સરપંચની ટીમની પહોંચ તેમના કરતા પણ ઉપલા લેવલની હશે. છાશવારે પૂતળાં બાળતા કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પણ જનસેવાની આ તક જતી કરે તે પણ સમયની બલિહારી છે.
વિરલ ગોહિલ