Gujarat

માણાવદર તાલુકાના ખેડૂતો તથા વેપારીઓ નવી જંત્રી દર સામે લાલઘુમ: ખેતી તથા ઉદ્યોગોનું નામું લખાઈ જશે! 

સરકારની જંત્રી દર વધારાની ચાલી રહેલી કવાયત સામે પ્રજામાંથી દરરોજ વિરોધના સુર ઉઠી રહ્યા છે પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ અને રોષ ભભૂકી રહ્યો છે ગામોગામ સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે જંત્રીના નવાદર ખેતી તથા ઉદ્યોગ પર ભારે અસર કરશે ધંધા રોજગાર તથા ખેતીપડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારની કથિત કવાયત સામે માણાવદર તાલુકાના 58 ગામોના ખેડૂતો તથા નાના મોટા ઉદ્યોગકારોએ નારાજગી દર્શાવી છે આ દરોના વિરોધમાં આજરોજ રેલી સ્વરૂપે જય માણાવદર મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવી જંત્રી દરનો વિરોધ નોંધાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી તથા સબંધિત સચિવો, સાંસદ, ધારાસભ્ય વગેરેને ઉદેશીને લખાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સને 2011માં સરકારે જંત્રીના દર જે જૂના હતા તેમાં વધારો કરવાની કવાયત કરી ભાવ વધારો જીકી દીધો હતો અને હવે એ જંત્રી દર ફરીવાર ડબલ કરવાની સરકાર દ્વારા હિલચાલ ચાલી રહી છે. માણાવદર તાલુકામાં હાલમાં ખેતીની જમીનના ભાવ પ્રતિ ચોરસ મીટર ૧૮૦ થી ૨૦૦ સુધીના જંત્રી દર હતા. તથા ઉદ્યોગિક હેતુની જંત્રી પ્રતિ ચોરસ મીટર ૩૦૦ થી લઈ ૫૦૦ સુધીના દર હતા. જે તા.૧૮-૪-૨૦૧૧ની જંત્રી મુજબના હતા. ત્યારબાદ તારીખ ૧૫-૪-૨૦૨૩ થી ઉપરોક્ત દર ડબલ કરવામાં આવ્યા હતા અને ફરી પાછો ૨૦૨૪ નો નવો મુસદો તૈયાર કરાયો છે.
જેમાં પ્રતિ ચોરસ મીટર ૧૮૨૦ થી ૫૦૦૦ સુધી ઉદ્યોગિક હેતુને જંત્રી ચોરસ મીટર ૩૫૦૦ થી ૫૦૦૦ સુધી કરવાની તજવીજ ચાલી રહી છે આમ ઔદ્યોગિક હેતુ માટેની જંત્રી મુજબ એક વીઘાના ૭૦ થી ૮૦ લાખ રૂપિયા થાય છે અને ખેતીના હેતુ માટેની જંત્રી એક વીઘાના ૩૦થી ૫૦ લાખ થાય છે. જો આવા દતની અમલવારી થશે તો આ તાલુકાનો વિકાસ રુંધાઈ જશે અને વેપાર જમીનના સોદા અટકી પડશે ખેતી પડી ભાંગશે વેપારનું નામું નખાઈ જશે!
આમેય માણાવદર તાલુકો રોજગાર વિહોણો તાલુકો છે અહીં ખેતી કામ સિવાય કોઈ રોજગારી આપે તેવા સાધન રહ્યા નથી ૧૨૫ જેટલા કપાસના કારખાના હતા. તેમાંથી ૨૦ ૨૫ માંડ ચાલે છે. મેગા ઔદ્યોગિક એકમો ધૂળમાં મળી ગયા છે અને તેમાંય જો જંત્રીદારનો વધારો કરવામાં આવશે તો ખેતી તો ભાંગશે જ સાથે સાથે ૨૦ થી ૨૫ જેટલા કારખાના ચાલે છે તે પણ બંધ થઈ જવાની ભીતી ખેડૂતો તથા વેપારીઓમાં પ્રસરી ગઈ છે.
તસવીર અહેવાલ  જીજ્ઞેશ પટેલ માણાવદર