દિલ્હીના કનોટ પ્લેસમાં આઉટર સર્કલના એમ બ્લોકમાં સ્થિત મિસ્ટ્રી રૂમમાં આગ ફાટી નીકળી હતી, જે થીમ આધારિત એડવેન્ચર ગેમિંગ ઝોન છે. આ ઘટનાની જાણ થતાજ ફાયરની ૭ ગાડીઓ ઘટનાસ્થળે તાત્કાલીક ધોરણે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લઈ લીધી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
આ આગની ઘટના બાબતે મળતી માહિતી મુજબ એમ બ્લોકની બિલ્ડીંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા શરૂઆતમાં ૩ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ ગંભીર બનતી જોઈને વધુ ૪ વાહનોને તાત્કાલિક મદદે બોલાવવામાં આવ્યા હતા.
દુકાનની અંદર એક વ્યક્તિ ફસાયા હોવાના સમાચાર મળ્યા બાદ તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. જો કે કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આઉટર સર્કલમાં મિસ્ટ્રી રૂમ્સ ગેમ ઝોનના પહેલા માળે આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગમાંથી જ્વાળાઓ બહાર આવવા લાગી. બિલ્ડિંગમાં લાગેલી આગ જોઈને ઘણા લોકો અહીં એકઠા થઈ ગયા હતા અને વીડિયો બનાવવા લાગ્યા, પરંતુ પોલીસે તમામને ત્યાંથી દૂર કર્યાં હતા. ઘટના બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો, જે બાદ પોલીસકર્મીઓએ ટ્રાફિક કલીયર કરવા માટે રૂટ ડાયવર્ટ કર્યો હતો.