Gujarat

દ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં જોડાવવા પદયાત્રીઓનું ઘોડાપુર

યાત્રાધામ દ્વારકામાં પરંપરાગત ફુલડોલ ઉત્સવ જેમ નજીક આવતો જાય છે તેમ ભાવિકોના ટોળા ઉમટતા જોવા મળી રહયા છે. જામનગરથી છેક દ્વારકા સુધી રસ્તાની એક તરફ માનવ મહેરામણ લાઈનમાં જુદા જુદા પહેરવેશ સાથે પગપાળા જતો નજરે પડે છે.

ખાસ કરી યુવા વર્ગ અને પ્રૌઢ-વૃધ્ધ વર્ગ પણ એક સાથે પદયાત્રા કરતા જોવા મળે છે.સામાન્ય રીતે ધર્મધ્યાન વૃધ્ધોનું કામ ગણાય છે પરંતુ ફુલડોલ ઉત્સવની પદયાત્રામાં વૃધ્ધો જેટલા જ તેનાથી વધુ સંખ્યામાં યુવા-યુવતીઓ પણ પદયાત્રામાં જોડાય છે.

ગોગલ્સ સાથે માથે ટોપી કાનમાં ઈયરફોન ભરાવી આધુનિક યુવાવર્ગ મોટી સંખ્યામાં જતા નજરે પડે છે તો ભરવાડ રબારી સમાજ હાથમાં લાકડી ડાંગ સાથે પરંપરાગત પહેરવેશમાં તથા રબારી ભરવાડ સમાજની બહેનો પગપાળા થાકેલી હોવા છતાં રાસ ગરબા રમતી દેખાય છે!!

રાજકોટ પ્રેમ પરિવારનો વડત્રામાં આલીશાન કેમ્પ ખંભાળીયા દ્વારકા વચ્ચે ઢગલાબંધ કેમ્પો સેવા માટે થઈ રહ્યા છે. ત્યારે કોઇ લગ્ન સમારોહમાં તૈયારી થઈ હોય તેવો વડત્રા પાસે રાજકોટના પ્રેમ પરિવારનો કેમ્પ અદ્દભુત છે.

વિશાળ જગ્યામાં શ્રીકૃષ્ણની સુંદર્શન સાથેની મૂર્તિ અને ગરમી ના થાય તે માટે વિશાળ કુલર સાથે સ્વાદિષ્ટ ભાત ભાતના ભોજનો નાસ્તો સેવા અનોખી છે. જ્યાં રાત વાસો કરવા પણ મોટા પ્રમાણમાં ભક્તો જોડાય છે. અઢી દશકાથી ખોડિયાર કેમ્પમાં અદ્દભુત સેવા ખંભાળીયાના ખોડિયાર મંદિર દ્વારકા રોડ પર 25 વર્ષથી ચાલતા સેવા કેમ્પમાં ભોજન, ચા સાથે મેડિકલ સેવા, પગચંપી, કામગીરી અદ્દભુત છે.

દિવુભાઈ સોની, અશોકભાઈ કાનાણી સહિતના કાર્યકરો જોડાય છે. તો દાતા, સિંહણ, વડત્રા, હજરાપર સહિતના ગામોમાં તથા નકલંક આશ્રમ ખંભાળીયા સહિત અનેક સ્થળે સેવા કેમ્પો ચાલુ છે.

સેવા આનંદ કેમ્પ,3000 યાત્રી માટે ખાસ વ્યવસ્થા ખંભાળીયા નજીક જામનગર રોડ પર સેવા આનંદ કેમ્પમાં સ્વંય સેવકો તથા યુવાનો દ્વારા રોજ ત્રણેક હજાર પદયાત્રીઓને પ્રસાદી સાથે ચા-નાસ્તો રહેવા ભોજનની વ્યવસ્થા કરાય છે. ખૂબ જ ઉત્સાહથી અહીં સેવા આપતા યુવાનો કહે છે કે, પદયાત્રીમાં અમને શ્રીકૃષ્ણ દેખાય છે!! આ સેવાની મઝા કંઈક અનોખી છે.

દોઢ દસકાથી ચાલતો કુહાડીયા પાસેનો કેમ્પ ખંભાળીયા દ્વારકા રોડ પર કુહાડીયા ગામના આહીર અગ્રણી તથા ગ્રામજનો પંદર વર્ષથી સેવા કેમ્પ ચલાવે છે જ્યાં રોજ સવાર સાંજ ચા નાસ્તો ઉપરાંત રાત્રી અને બપોરના સમયે ભાત ભાતનું ભોજન તથા રાતવાસાની સગવડ પણ અપાય છે.

હાઇવે પર ઠેર ઠેર વાહનો સાથે સેવાર્થીઓની સેવા પદયાત્રીઓને મદદરૂપ થઈને સેવા કરવાની ભાવના એવી છે કે જામનગર, ખાવડી, રાજકોટ, ધ્રોલ, ખંભાળીયા, ભાણવડથી અનેક સેવાભાવી મોટા ટેમ્પામાં શેરડીના રસ, આઈસ્ક્રીમ, લિબુ શરબત, ગુલ્ફી, ઠંડી છાસ, વિવિધ શરબત સાથે ઉભા રહીને નીકળતા પદયાત્રીઓને આપી સેવા કરે છે.

રાજકોટ તરફના એક સેવાભાવી તો ટેમ્પો ભરીને કાજુ બદામ સૂકી દ્રાક્ષ ભરીદડીયામાં ભાવિકોને આપતા નજરે પડ્યા હતા. તો અનેક સેવાભાવીઓ પોતાના પરિવાર સાથે ઘેરથી કંઈને કઈ તૈયાર કરીને આપવા રોજ જાય છે!!