Gujarat

સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું, ગિરનારના 27 ગામમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ; કાચ, માટી, ટીનની બોટલમાં જ પાણી મળશે

ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા પાર્ટી ઇન પર્સન તરીકે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટના છેલ્લા આદેશ મુજબ વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રિન્સિપાલ સેક્રેટરીએ સોગંદનામુ ફાઈલ કર્યું હતું. 23 ફેબ્રુઆરીએ જૂનાગઢ કલેક્ટરની આગેવાનીમાં ગિર ઇકો સેન્ટર સેન્સેટિવ ઝોન મોનિટરીંગ કમિટીની મિટિંગ મળી હતી. જેમાં ગિર ઇકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

3 ટીમ અંબાજી, દત્તાત્રેય અને દાતાર એન્ટ્રી પોઇન્ટ ઉપર રહેશે

ગિરનારના 27 ગામ અને ESZના પ્રવેશ દ્વારોમાં પ્લાસ્ટિક પર હવે સંપૂર્ણ પ્રતિબંધ છે. ઓથોરિટીએ મોનિટરીંગ અને એક્શન માટે 6 ટીમ બનાવી છે. જેમાંથી 3 ટીમ અંબાજી, દત્તાત્રેય અને દાતાર એન્ટ્રી પોઇન્ટ ઉપર રહેશે, 3 ટીમ ફરતા પેટ્રોલિંગ કરશે. આ ટીમમાં વન વિભાગ, પોલીસ, પંચાયત અને JMCના કર્મચારીઓ હશે. અંબાજીથી દત્તાત્રેય મંદિર સુધી પગથિયાઓ ઉપર 6 સફાઈ કામદાર સફાઈ કરશે. જેના માટે એક સુપર વાઈઝર હશે.

લોકોને જાગૃત કરવા કોર્ટે સરકારને સૂચન કર્યું

દાતાર સુધી વન વિભાગ હસ્તક 15 કામદારો સફાઈ કરશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત અંબાજી મંદિર સુધીના નવા અને જૂના પગથિયે 15-15 કામદારો સફાઈ કરશે. પાણી ફક્ત કાચની બોટલ, માટીની બોટલ, ટીનમાં જ મળશે. કોર્ટ મિત્રે ટેટ્રા પેકમાં પ્લાસ્ટિક હોવા સામે વાંધો લેતા સરકારે પાણી માટે તે વિકલ્પ દૂર કર્યો હતો. લોકોને જાગૃત કરવા કોર્ટે સરકારને સૂચન કર્યું હતું. સાથે જ ઇકો સેન્સેટિવ ઝોનમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ અધિકારીઓ હોવા જોઈએ તેવી કોર્ટે ટકોર કરી હતી.

પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની ગિરનાર ESZમાં જાહેરાત કરાશે

કોર્ટે આ સાથે જ કચ્છના રણમાં પણ પ્લાસ્ટિક બોટલ વિખેરાયેલી જોવા મળ્યાંનું કોર્ટનું અવલોકન કર્યું હતું. જે મામલે પણ દરકાર લેવા સરકારને સૂચન કર્યું હતું. ગિરનાર ઉપર સ્વચ્છતા જોવા થોડા સમય પછી કોર્ટ કમિશનર મોકલાશે તેવી કોર્ટે સરકારને ટકોર કરી હતી. મહા શિવરાત્રી નજીક હોવાથી ગિરનાર ESZ વિસ્તારમાં વધુ લોકો આવશે. ત્યારે લોકો આ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જઈ શકશે નહિ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કાયમી સફાઈ માટે કોન્ટ્રાક્ટરો પાસે ટેન્ડર મંગાવશે. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની ગિરનાર ESZમાં જાહેરાત કરાશે.

આ મુદ્દે વધુ સુનાવણી 20 માર્ચે

ગિરનાર ESZ મોનિટરીંગ કમિટીની બેઠક 2016થી 2023 સુધીમાં 18 વખત મળી. તેમાં પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને કોઈ કામ થયું નહિ. ESZમાં જે અધિકારીએ કામ ના કરવું હોય તેને બીજે ટ્રાન્સફર કરવા કોર્ટે ટકોર કરી હતી. સરકાર એક્શન પ્લાન રજૂ કરશે. આ મુદ્દે વધુ સુનાવણી 20 માર્ચે હાથ ધરાશે.

12 ટન પ્લાસ્ટિક કચરો ગિરનાર પર્વત ઉપરથી ભેગો કરવામાં આવ્યો હતો

અગાઉની સુનાવણીમાં કોર્ટે ગિરનાર ઇકો સેન્સિટીવ ઝોન માટે મોનિટરીંગ કમિટીની રચના અને ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવાના અંગેના પગલાઓ વિશે પૂછ્યું હતું. જે સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી હતી. સરકારી વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, વર્ષ 2016થી મોનિટરિંગ કમિટી કાર્ય કરી રહી છે. છેલ્લા રિપોર્ટ મુજબ 12 ટન પ્લાસ્ટિક કચરો ગિરનાર પર્વત ઉપરથી ભેગો કરવામાં આવ્યો હતો.

50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

કોર્ટે પૂછ્યું હતું કે, 2016થી કમિટી કાર્ય કરી રહી છે, તો ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્લાસ્ટિક કચરા અને ગિરનાર પર્વત ઉપર થતો કચરો અટકાવવા કમિટીએ શું કર્યું? કયા રિઝોલ્યુશન પાસ કર્યા તે કોર્ટને આપવામાં આવે. વળી હાઇકોર્ટનો આદેશ ફક્ત કચરો દૂર કરવાનો નહીં, પરંતુ તેને અટકાવવાનો હોવાથી કોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. સરકારી વકીલે જણાવ્યું હતું કે, 50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે મોનિટરિંગ કમિટી બનાવવાનું નોટિફિકેશન 2012માં બહાર પડ્યું હોવાથી અને કમિટી 2016માં બની હોવાથી શા માટે ચાર વર્ષ સુધી કમિટી બની શકી નહી. તેનો કોઈ સ્પષ્ટ જવાબ સરકાર આપી શકી નહોતી.

કોઈ પણ પ્રકારના ખાણકામને પરવાનગી અપાશે નહીં

સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, 2016 બાદ 18 વખત મોનિટરિંગ કમિટી મળી હતી. જેમાં કોઈપણ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ગિરનાર ઇકો સેન્સિટિવ હોવું જોઈએ નહીં. કોઈ પણ પ્રકારના ખાણકામને પરવાનગી અપાશે નહીં. કોઈપણ પ્રકારનો ઔદ્યોગિક કચરો ઇકોસેન્સિટીવ ઝોનમાં છોડી શકાશે નહી, વગેરે બાબત કોર્ટને જણાવી હતી. જો કે પ્લાસ્ટિક બેગના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું સરકારે કોર્ટને જણાવ્યું હતું. તેમાં પ્લાસ્ટિક બોટલ્સ વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો

એડવોકેટ અમિત પંચાલે કોર્ટને જણાવ્યું હતું કે, આ કોર્ટે અગાઉ હુકમ કરતા 2012ના કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ 11 વર્ષમાં ગિરનાર ઉપર ગંદકી અટકાવવા શું પગલાં લેવાયા તેનો જવાબ સરકાર પાસે માગ્યો હતો. જો કે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ એક્શન પ્લાન પ્લાસ્ટિકની થેલીઓ અને બોટલ્સના વપરાશના પ્રતિબંધને લઈને આપવામાં આવ્યો નથી. વળી 2022માં 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેનો મતલબ એમ થયો કોઈ 120 માઇક્રોથી વધુનું પ્લાસ્ટિક લોકો વાપરી શકે છે, પરંતુ કોર્ટ સમક્ષ પ્લાસ્ટિક ઉપર ગિર ઇકો સેન્સિટિવ ઝોનમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની વાત હતી. કમિટી 2016થી મળી ત્યારથી લઈને અત્યાર સુધી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવા કોઈપણ પ્રકારનું કામ થયું નથી. અહીં પ્લાસ્ટિકના માઇક્રોનની વાત છે જ નહીં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની વાત છે.

અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું

રાજ્ય સરકારે જ 2019માં નોટિફિકેશન બહાર પાડીને પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું જણાવ્યું હતું. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ યાત્રાધામોનું મેન્ટેનન્સ સંભાળે છે. જે મુજબ પહેલા લોકો કચરો કરે ત્યાર બાદ તેને ઉપાડવામાં આવે છે. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, પિટિશન દાખલ થયે એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે.

યોગ્ય કાર્યવાહી હાથ ધરવાનું આશ્વાસન આપ્યું હતું

કોર્ટે કલેક્ટરની એફિડેવિટનો અસ્વીકાર કરતા વન અને પર્યાવરણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને એફિડેવિટ ફાઇલ કરવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત કમિટીને લગતા કલેક્ટરના કાર્ય ઉપર તપાસ કરવા પણ હુકમ કર્યો હતો. વળી કોર્ટના ધ્યાને આવ્યું હતું કે, કોર્ટના હુકમથી કલેક્ટરે જે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન 2023માં બહાર પાડ્યું હતું. તે પણ સમય સીમા દર્શાવતું હતું. એટલે કે નોટિફિકેશનની અંદર દર્શાવેલ સમય પૂર્ણ થતા ફરી પ્લાસ્ટિક વાપરી શકાય. વળી સમય સીમા વાળા નોટિફિકેશનના ચોખવટમાં કલેક્ટર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, યાત્રાળુઓની ધાર્મિક લાગણી ના દુભાય તે માટે પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો નથી. જોકે કોર્ટે સરકારી વકીલને ખખડાવી નાખતા એડિશનલ એડવોકેટ જનરલે જાતે કોર્ટમાં આવીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવાનું આશ્વાસન આપ્યું હતું.

સરકારે કાચની બોટલ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો

અગાઉની સુનાવણીઓમાં સરકારે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવા રીઝોલ્યુશન કર્યું છે. કોર્ટે કહ્યું હતું કે, એમ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવાથી કાઈ નહિ થાય પ્લાસ્ટિકનો વિકલ્પ આપો. ગુજરાત વૈકલ્પિક ઉપાયો આપવા જાણીતું છે. તેમ ગિરનારમાં પ્લાસ્ટિક મુદ્દે વિકલ્પ આપો. સરકારે કાચની બોટલ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

સ્વચ્છતા મુદ્દે બ્લુ પ્રિન્ટ માંગી હતી

કોર્ટે કહ્યું હતું કે, સ્ટીલની બોટલ આપો. તેની સાથે એક ટોકન રકમ લો, રસ્તાઓ ઉપર પીવાના પાણીની વ્યવસ્થાઓ કરો. જ્યારે યાત્રિક તે બોટલ લઈને પરત આવે ત્યારે સામાન્ય ફી લઈને ટોકનના બીજા પૈસા પાછા આપી દેવા. જો પ્લાસ્ટિકની પાણીની બોટલ 30 રૂપિયામાં મળતી હોય તો સરકાર સ્ટીલની બોટલના ટોકનનો ચાર્જ 10 રૂપિયા રાખે. જૂનાગઢ કલેક્ટરે આ મુદ્દે કામ કરવું જોઈએ, બધું સરકાર ના કરે કલેક્ટર લેવલે પણ કામ થવું જોઈએ. આ માટે કમિટીની રચના કરવી જોઈએ. બધે કોર્ટ કમિશનર ન મોકલાય. કોર્ટે કહ્યું હતું કે, તે માટે કામ કરવાની ઈચ્છાશક્તિ હોવી જોઈએ. કોર્ટે જૂનાગઢના કલેક્ટરને પ્લાસ્ટિકના કચરામાંથી ગિરનારને મુક્ત કરવા અને સ્વચ્છતા મુદ્દે બ્લુ પ્રિન્ટ માંગી હતી.

હાઇકોર્ટે વકીલને સ્થળ પર જઈ રીપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, ગિરનાર ઉપરના અંબાજી અને દત્ત મંદિરો જૂનાગઢ જિલ્લા કલેક્ટરના વહીવટ અંતર્ગત આવે છે. ઉપરોક્ત ધાર્મિક સ્થાનો પર ગંદકી અંગેના ફોટા અગાઉ કોર્ટ સમક્ષ મુકાયા હતા. આ સ્થળોએ પ્લાસ્ટિક કચરો પણ મોટી સમસ્યા છે. જે મુદ્દે કોર્ટે સ્વતંત્ર એજન્સી દ્વારા સ્વચ્છતા અંગેનો રીપોર્ટ તૈયાર થવો જોઈએ તેમ જણાવ્યું હતું. આ માટે હાઇકોર્ટે વકીલ દેવાંગી સોલંકીને ત્યાં જઈને રીપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું. સાથે જ જૂનાગઢના કલેક્ટરને દેવાંગીને મદદ કરવા જણાવ્યું હતું. જે ફોટા સાથેનો રીપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મુકાયો હતો. રીપોર્ટ મુજબ અંબાજી મંદિર સુધી આસપાસનો અને મંદિર અંદરનો વિસ્તાર સાફ હતો. જ્યારે અંબાજીથી દત્તાત્રેય મંદિર સુધીમાં 04 હજાર પગથિયાં દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ જોવા મળ્યો હતો. જ્યાં કેટલાક લોકો સફાઈ કરી રહ્યા હતા.

પ્લાસ્ટિક એકત્રિત કરતા સ્વયંસેવકો રાખી શકાય

સ્થાનિક ઓથોરિટી પ્રમાણે આ સફાઈ કામ માટે તેમની પાસે માણસો અને સંસાધનોની અછત છે. જ્યારે પહાડોમાં કેટલાક વિસ્તારોની સફાઈ જોખમી છે. કોર્ટે કહ્યું હતું કે, આ વિસ્તારોમાં પ્લાસ્ટિક લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. લોકો પ્લાસ્ટિક બોટલ જ્યાં ત્યાં ફેંકતા હોય છે, પરંતુ લોકોને પાણીની બોટલ લઈ જતા રોકી શકીએ નહિ. આ માટે પ્લાસ્ટિક એકત્રિત કરતા સ્વયંસેવકો રાખી શકાય.

કોર્ટે સ્થાનિક લોકોને જાગૃત કરવા જણાવ્યું હતું

આ વિસ્તારોમાં પ્લાસ્ટિક સાથે ડિસ્પોઝેબલ વસ્તુઓ ઉપર પણ પ્રતિંબંધ મૂકવો જોઈએ. કારણ કે લોકો તે પણ જ્યાં અને ત્યાં ફેંકશે. આ ઉપયોગી વસ્તુઓનો વિકલ્પ શોધવાની જરૂર છે. વળી ત્યાં કચરાપેટી પણ રાખવી જરૂરી છે. કોર્ટે કહ્યું હતું કે, આ વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા ઊભી કરાય. તેમાં પણ લોકોને પ્લાસ્ટિક, પેપર કે ડિસ્પોઝેબલ કપ ન આપતા એરપોર્ટની જેમ હાથથી પાણી પીવા ફરજ પાડવી જોઈએ. સાથે જ કોર્ટે સ્થાનિક લોકોને જાગૃત કરવા જણાવ્યું હતું. જેમાં આ દેવતાઓનું ઘર છે અને અહીં કચરો ન નખાય તેમ ઉત્સાહ વધારવા જણાવ્યું હતું.