Gujarat

જી.જી.ના શિશુ વિભાગ માટે સુપર સ્પેશિયાલિટી ફેલોશીપ મંજૂર

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં નવજાત શિશુ વિભાગને નેશનલની ઓનાટોલોજી ફોરમ ઈન્ડિયા દ્વારા સુપર સ્પેશ્યાલિટી-ફેલોશીપ કરવાની મંજુરી પ્રાપ્ત થઈ છે. જે જામનગરના તબીબ જગત માટે ગૌરવપૂર્ણ બાબત છે. આથી જામનગરના બાળ દર્દીઓને વધુ ઉત્તમ સારવાર મળી શકશે. જેના અંતર્ગત ખાસ બે ડોક્ટર માટે અને 4 નર્સ માટે ફેલોશીપ ખૂલી છે.

સમગ્ર ગુજરાતની મેડિકલ કોલેજમાં આવી ફેલોશીપ હાલ માત્ર જામનગરના ફાળે મળી છે. એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ની 250 અને એમ.ડી.(પેડ) માટે 11 સીટ માટેના કોર્સ ચાલુ જ છે.

આ સુપરસ્પેશ્યાલિટી ફેલોશીપથી સંસ્થા વધુ સારી નવજાત શિશુ સંભાળ અને એ વિષય સંદર્ભે ઉત્કૃષ્ટ રિસર્ચ કરી શકશે. જેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા બાળ દર્દીઓને વધુ ઉત્તમ સારવાર મળી રહેશે.

નવજાત શિશુ વિભાગના હેડ અને સિનિયર ડો. મૌલિક શાહના જણાવ્યા મુજબ એનએનએફઆઈ એ ભારતમાં નવજાત બાળકો માટેના નિષ્ણાતોની સંસ્થા છે.

જેઓ દ્વારા ફેલોશીપ મંજુર કરવામાં આવે છે. આ સંસ્થાના સભ્યોની ટીમ ગત તા.10 માર્ચના જામનગરની હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાતે આવી હતી અને હોસ્પિટલનું રેકોર્ડ, બિલ્ડીંગ, જરૂરી સ્ટાફ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ હોવાનો અહેવાલ પછી જામનગરને ફેલોશીપ મળી છે. બે ડોક્ટર અને ચાર નર્સો માટે ફેલોશીપ અન્વયે ભારતભરમાંથી અરજી થઈ શકે છે.