Gujarat

મોરબીમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી રોકડની ચોરી કરનાર એક ઝડપાયો, મુદ્દામાલ રીકવર કરી મહિલા સહિત અન્ય બે આરોપીના નામો ખુલ્યા

મોરબીમાં વૃદ્ધ મુસાફરને રીક્ષામાં બેસાડી પેન્ટના ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ કરી પોલીસે એક ઈસમને ઝડપી લઈને રોકડ રૂ. 30 હજાર અને રીક્ષા સહિત 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો મહિલા સહિત અન્ય બે આરોપીના નામો ખુલ્યા છે.

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વૃદ્ધ ઓટો રીક્ષામાં જતા હોય ત્યારે રીક્ષામાં બેઠેલ સ્ત્રી અને પુરુષોએ વીસી ફાટક પાસે ઉતારી દીધા હતા અને રીક્ષામાં બેઠા હતા તે દરમિયાન રોકડ રૂ. 45 હજારની ચોરી કરી હતી.

જે બનાવ મામલે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ એલસીબી ટીમ ચલાવી રહી છે.

જેમાં સીસીટીવી ફૂટેજ તપાસી રીક્ષા અંગેની માહિતી મેળવી હતી. જે ગુનામાં વપરાયેલા રીક્ષા મહારાણા પ્રતાપ સર્કલ પાસે હોવાની બાતમી મળતા રીક્ષાચાલકને એલસીબી કચેરી લાવી સઘન પૂછપરછ કરતા પોતે તેમજ તેનો મિત્ર રવિ મકવાણા અને માતા ગીતાબેન એમ ત્રણેયે મળીને ગુનાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.

જેથી એલસીબી ટીમે આરોપી નટવર ઉર્ફે નાતુ કુંવરીયા વાળાને ઝડપી લીધો હતો. તો અન્ય આરોપી રવિ મકવાણા અને ગીતાબેન મકવાણા વાળાના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે.

ઝડપાયેલા આરોપી પાસેથી ચોરીમાં ગયેલા રોકડ રૂ. 30 હજર અને સીએનજી રીક્ષા કિંમત રૂ. 75 હજાર સહિત કુલ રૂ. 1.05 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.