Gujarat

કોવિડ-૧૯ રોગચાળાના સમયગાળા દરમિયાન દાખલ કરાયેલા કેસોની બાકી કોર્ટ ફીની પતાવટ કરવા ગુજરાત હાઇકોર્ટે હાકલ કરી

ગુજરાત હાઈકોર્ટે દ્વારા તાજેતરમાં એક પરિપત્ર જારી કરીને વકીલો અને અરજદારોને કોવિડ-૧૯ રોગચાળાના સમયગાળા દરમિયાન દાખલ કરાયેલા કેસોની બાકી કોર્ટ ફીની પતાવટ કરવા હાકલ કરી છે અને આ સંદર્ભે એક પરિપત્ર જાહેર કરાયો છે. ૨૨ માર્ચ, ૨૦૨૦ અને ૭ જાન્યુઆરી, ૨૦૨૨ની વચ્ચે દાખલ કરાયેલા આ એવા કેસો છે કે જેમાં કોર્ટ ફીની ચૂકવણી ન થઇ હોય અથવા અપૂરતી ચુકવણી કરવામાં આવી હોય.

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના આદેશ પર જારી કરાયેલા ૩૦ મેના એક પરિપત્રમાં ચેતવણી અપાઈ છે કે જો ત્રીસ દિવસમાં પતાવટ કરવામાં નહીં આવે તો બાકી રહેલી કોર્ટ ફી જમીન મહેસૂલની બાકી રકમ તરીકે વસૂલ કરાશે. આ પરિપત્રમાં વકીલો અને અરજદારોને જણાવાયું છે કે જો કેસનો ર્નિણય લેવાયો હોય, જો તે ફાઇલ કરવાની જરૂર હતી અને હજુ સુધી ફાઇલ કરવામાં આવી ન હોય તો અસલ દસ્તાવેજો અથવા દસ્તાવેજોની પ્રમાણિત નકલો જમા કરવામાં આવે.

પરિપત્રમાં જણાવાયું છે કે,’તમામ સંબંધિત વિદ્વાન એડવોકેટ્‌સ/લિટીગન્ટ્‌સને આથી બાકી કોર્ટ ફીની ચૂકવણી કરવા/અથવા કોવિડ- દરમિયાન દાખલ કરવામાં આવેલા પહેલાથી નક્કી/નિકાલ કરાયેલી બાબતોમાં દસ્તાવેજોની અસલ દસ્તાવેજો/પ્રમાણિત નકલો સબમિટ કરવા જાણ કરવામાં આવે છે.

કોવિડ૧૯ રોગચાળાનો સમયગાળો એટલે કે ૨૨-૦૩-૨૦૨૦થી ૦૭-૦૧-૨૦૨૨ સુધી, જેમાં કોર્ટ ફી ચૂકવાઈ નથી અથવા અપૂરતી કોર્ટ ફી ચૂકવાઈ છે અને / અથવા દસ્તાવેજોની અસલ દસ્તાવેજો / પ્રમાણિત નકલો દાખલ કરાઈ નથી. આ પરિપત્રની તારીખથી ૩૦ દિવસના સમયગાળામાં બાકીની કોર્ટ ફી નહીં ચૂકવવામાં આવે તો તેને જમીન મહેસૂલના બાકી રકમ તરીકે વસૂલવામાં આવશે અને જો મૂળ દસ્તાવેજો ૩૦ દિવસના સમયગાળામાં દાખલ કરવામાં નહીં આવે તો પ્રમાણિત નકલો જારી કરવામાં નહીં આવે.’