લઘુ ઉદ્યોગ ભારતીના ક્ષેત્રીય સંમેલનમાં વડોદરા ખાતે હાજર રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમએસએમઇ ઉદ્યોગને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા અને વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે તેવા સક્ષમ બનાવવા સરકારનો પ્રયાસ ચાલી રહ્યો હોવાનું પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.
આ સાથે તેમણે ગુજરાત મૂડી રોકાણ માટે દેશમાં મોસ્ટ ફેવરેબલ ડેસ્ટિનેશન હોવાનું પણ ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં દેશમાં ઉત્પાદન ક્ષેત્રોમાં ખૂબ મોટાં પરિવર્તન આવ્યાં છે અને આજે દેશમાં ઇનોવેશનને પ્રોત્સાહન મળ્યું છે.
સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લઘુ ઉદ્યોગ ભારતી ઉદ્યોગહિત સાથે રાષ્ટ્રહિતનો વિચાર કરતું સંગઠન છે. આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા માટે અવિરતપણે કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આયાત ઘટે અને નિકાસ વધે તે માટે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસ અને તેના માટે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
નાના ઉદ્યોગના કોઈ પણ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે પણ તેમણે ખાતરી આપી હતી તેમજ વડાપ્રધાનના વિઝન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ક્લસ્ટર આધારિત વિકાસ અને વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ નીતિને પ્રોત્સાહન પણ મળી રહે છે.
ભારતને કલા વિરાસતમાં મળી છે. આ કલા-કસબને વિકસાવવા લઘુ ઉદ્યોગ ભારતી આવા ક્લસ્ટરોને ફરી બેઠાં કરવા મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.

