Gujarat

કલ્યાણપુર-ખંભાળિયામાં ફરી ધોધમાર વરસાદ,બે કલાકમાં બે ઈંચ, કાલાવડમાં વધુ એક ઈંચ મેઘવર્ષા

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે સવારથી મેઘાવી માહોલ વચ્ચે બપોર બાદ જુદા જુદા પાંચ તાલુકામાં અડધાથી સવા બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.બીજી બાજુ વરસાદ સાથે આકાશી આફત પણ વરસતા કાલાવડના જશાપર પંથકમાં વિજળી પડતા શ્રમિક પ્રૌઢનુ મૃત્યુ નિપજયુ હતુ.જામનગર શહેરમાં રાત્રે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી અવાર નવાર સર્જાતા મેઘાડંબર વચ્ચ્ચે મંગળવારે સાંજે મેઘરાજા ફરી મુશળધાર વરસ્યા હતા જેમાં કાલાવડમાં બપોરે ઘીમીધારે શરૂ થયેલા વરસાદે વેગ પડતા રાત્રે આઠ વાગ્યા સુધીમાં એક ઇંચ પાણી વરસી ગયુ હતુ.ગ્રામ્ય પંથકમાં પણ ઘીંગો વરસાદ વરસ્યો હોવાના વાવડ મળ્યા છે.

જામનગર શહેરમાં રાત્રે આઠ વાગ્યા બાદ મેધરાજાના મંડાણ થયા છે.જામજોધપુરમાં સવારે હળવા ભારે ઝાપટા બાદ સાંજે ફરી વરસાદ વરસતા રાત્રી સુધીમાં અડધો ઇંચ પાણી વરસ્યુ હતુ.

જયારે લાલપુરમાં પણ હળવા ભારે ઝાપટા રાત્રી સુઘી યથાવત રહયા હતા. આકાશી વિજળી પડતા વધુ એક માનવ જીંદગીનો ભોગ લેવાયો છે જેમાં કાલાવડ તાલુકાના જશાપર ગામના વાડી વિસ્તારમાં બપોર બાદ આંબાલાલ વરસીંગભાઇ નામના મુળ સંતરામપુરના વતની શ્રમિક પ્રૌઢ પર વિજળી પડતા તેનુ મૃત્યુ નિપજયુ હોવાનુ જાહેર થયુ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદે મુકામ કર્યો હતો જેમાં ખંભાળિયામાં સવારે પોણો ઇંચ પાણી વરસી ગયુ હતુ જે બાદ સાંજે ફરી વિજળીના કડાકા ભડાકા અને ગાજવિજ સાથે વરસેલા વરસાદે બે કલાકમાં પોણા બે ઇંચ સાથે રાત્રી સુધીમાં સવા બે ઇંચ પાણી વરસાવી દિઘુ હતુ.ભારે વરસાદના પગલે માર્ગો પાણી પાણી થયા હતા.

જયારે કલ્યાણપુર પંથકમાં પણ સાંજે ચાર વાગ્યા બાદ મુશળધાર શરૂ થયેલા વરસાદે વધુ બે ઇંચ સાથે રાત્રી સુધીમાં સવા બે ઇંચ પાણી ઠાલવી દિઘુ હતુ.

જોકે,ભાણવડ પંથકમાં સામાન્ય ઝરમર ઝાપટા જ પડયા હતા.યાત્રાધામ દ્વારકામાં બપોર બાદ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.જેમાં રાત્રી સુધીમાં અડધો ઇંચ પાણી વરસ્યુ હતુ.હાલારમાં મોટા ભાગના સ્થળોએ રાત્રે પણ ભારે મેઘાડંબર યથાવત રહયો હતો.