Gujarat

બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતા સોરઠ, દ્વારકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત્ રહી છે અને વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ બીજા જ દિવસે ફરી બંગાળની ખાડીની સિસ્ટમની અસરથી ભારે વરસાદ શરૂ થયો છે અને સોરઠના મેંદરડા સહિતના વિસ્તારોમાં 1થી 3 ઈંચ જ્યારે પોરબંદરમાં પણ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે અમરેલી પંથકમાં માત્ર 1 જ ઈંચ વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુરત શહેરમાં 4 કલાકમાં સાડા 4 ઈંચ વરસાદ પડ્યો હતો.

સોરઠ પંથકમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો અને રવિવારે બપોરે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. મેંદરડા સહિતના વિસ્તારોમાં 3 ઈંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો તેમજ પોરબંદરમાં 3 અને અમરેલી પંથકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. આથી નદીઓ ફરી બે કાંઠે વહેવા લાગી હતી. કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું, જેથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

જ્યારે સાબલી સહિતના ડેમોના પાટિયા ખોલવામાં આવતાં ઘેડ વિસ્તારની સ્થિતિ ફરી ગંભીર બની હતી, જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. સોરઠ પંથકમાં 10 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ક્યારેક ઝાપટાં તો ક્યારેક અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લામાં સરેરાશ વરસાદની સ્થિતિ જોઈએ તો 94.46 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે જ રવિવારે પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી અને માણાવદરમાં 1.5 ઈંચ, વંથલીમાં 1 ઈંચ, ભેંસાણમાં 18 મીમી, વિસાવદરમાં 2 ઈંચ, મેંદરડામાં 3 ઈંચ, કેશોદમાં 2, માંગરોળમાં 12 મીમી જ્યારે માળિયામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદના લીધે નદીઓ ફરી વહેતી થઈ હતી અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતાં.

48 કલાકથી અપર ઍર સાયક્લોનિક સરક્યુલેશન સૌરાષ્ટ્ર-કચ્છના ચોક્કસ વિસ્તારમાં સ્થિર થઇને આગળ વધ્યું નહી. જ્યારે તેની સાથેનો મોન્સુન ટ્રફ પણ અપર ઍર સાયક્લોનિક સરક્યુલેશનમાંથી પસાર થતો હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો જળબંબાકાર થયાં છે.