હુતી વિદ્રોહીઓ લાલ સાગરમાં સતત જહાજાેને નિશાન બનાવી રહ્યા છે. અમેરિકા અને બ્રિટન તેની સામે કાર્યવાહી કરી રહ્યા છે. આ દરમિયાન યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ અને સિક્યોરિટી ફર્મ એમ્બ્રેના હવાલાથી મળતી માહિતી અનુસાર મંગળવારે લાલ સાગરમાં યમન નજીક ડ્રોન હુમલો થયો હતો. હુમલામાં બ્રિટિશ માલવાહક જહાજને નજીવું નુકસાન થયું હતું. હુતી વિદ્રોહીઓએ આ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સે જણાવ્યું હતું કે હુમલો યમનના હોદેઇડાથી ૫૭ નોટિકલ માઇલ પશ્ચિમમાં થયો હતો. જેમાં બાર્બાડોસ ફ્લેગવાળા જહાજને નજીવું નુકસાન થયું હતું.
જાે કે આ હુમલામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. હુમલા પહેલા એક નાનું જહાજ પણ માલવાહક જહાજની નજીક હતું. આ ઘટના બનવા છતાં વહાણ પોતાની જાતને સ્થિર રાખવામાં સફળ રહ્યું અને તેની મુસાફરી ચાલુ રાખી. યમનના ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ આ હુમલાનો દાવો કર્યો હતો. બળવાખોરોએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓએ બે અલગ-અલગ હુમલા કર્યા છે. એક પ્રવક્તાએ કહ્યું કે પહેલા હુમલામાં અમેરિકન જહાજ સ્ટાર નાસિયાને નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યારે બીજા હુમલામાં બ્રિટિશ જહાજ મોર્નિંગ ટાઈડને નિશાન બનાવવામાં આવ્યું હતું. ગયા મહિને અમેરિકાએ હુતીઓને વૈશ્વિક આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું.
ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના યુદ્ધને લઈને આતંકવાદી જૂથે લાલ સાગરમાં જહાજાેને નિશાન બનાવ્યા છે. જેને અમેરિકા, યુરોપિયન યુનિયન અને અન્ય સરકારો આતંકવાદી સંગઠન માને છે. હુમલાને કારણે વૈશ્વિક શિપિંગને ઘણી અસર થઈ છે. જેના કારણે કંપનીઓને દક્ષિણ આફ્રિકાની આસપાસ લાંબી અને મોંઘી યાત્રાઓ કરવાની ફરજ પડી છે. દરિયાઈ માર્ગોને સુરક્ષિત કરવા અને આક્રમક હુમલાઓને રોકવા માટે અમેરિકા અને બ્રિટને અત્યાર સુધીમાં ઘણી વખત વળતી કાર્યવાહી કરી છે. આ માટે આ બંને દેશોએ યમનમાં હુતી સ્થાનોને નિશાન બનાવીને હુમલાનો જવાબ આપ્યો છે.