વાઘોડીયા તાલુકામાં બે જગ્યાએ માર્ગ અકસ્માતના બનેલા બનાવો પૈકી બે વ્યક્તિના મોત નીપજ્યા છે પાદરીયાપુરા પાસે થ્રી વ્હિલ ટેમ્પા સાથે બાઈકનો અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે વાઘોડિયા કમલાપુરા બસ સ્ટેન્ડ પાસે રોડક્રોસ કરી રહેલા આધેડને બાઈક સવારે અડફેટે લેતા આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.
વાઘોડીયાના વડીયાપુરા ગામે રહેતો મયુર સુરેશભાઈ વસાવા મોટર સાયકલ લઈ વાઘોડિયાથી વડિયપુરા ગામે જતા સાંજે સવા ત્રણ વાગ્યાની આસપાસ પાદરીયાપુરા ગામ પાસે થ્રી વ્હીલ ટેમ્પાએ અડફેટે લેતા અકસ્માતમા બાઈક ચાલાક મયુર સુરેશભાઈ વસાવાને ગંભીર ઈજા થતા સ્થળ પર મોત નિપજયું હતું.
થ્રી વ્હીલ ટેમ્પો સ્થળ ઉપર છોડી ટેમ્પા ચાલાક નાશી છૂટયો હતો. બીજા બનાવમાં કમલાપુરા બસ સ્ટેન્ડ થી દૂધ લઈ પરત ફરતા આધેડને રાતે સવા આઠ વાગ્યાની આસપાસ એસ્પાઈન કંપનીનીના ગેટ સામે દતપુરા નાકા પાસે વડોદરા તરફથી પૂરપાટ ઝડપે બાઈક હંકારી આવતા મોટરસાયકલ ચાલકે આધેડને અડફેટે લેતા આધેડને ગંભીર ઇજા થઇ હતી.
અકસ્માતમા બાઈક સવાર પણ રોડ પર પટકાયો હતો.બંને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા જ્યાંથી વધુ સારવાર માટે આધેડ વિનય સતીશ દત્તા (૪૫) હાલ રહે. એસ્પાઈન કંપની દત્તપુરા, વાઘોડિયાને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

