રાજ્યમાં ફરી એક વાર દીપડાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર અને વાલિયા તાલુકાની સીમમાં દીપડા લટાર મારતા જોવા મળ્યો હતો જેના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. બે અલગ – અલગ સ્થળે ખેતરોમાં નજરે પડેલા દીપડાના કારણે ખેડૂતો ખેતીના કામ માટે ખેતરમાં જતા ભય અનુભવી રહ્યા છે.
મંગળવારે સાંજના સમયે ખેડૂતો ખેતરથી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે વટારીયા ગામની સીમમાં શેરડીના ખેતરમાં એક કદાવર દીપડો જોવા મળ્યો હતો. નજીકમાં મુખ્ય માર્ગ હોવાથી વાહનોની અવર – જ્વર છતાં આ વન્ય પ્રાણીને કોઈ ફર્ક પડતો ન હતો. ગામની સીમમાં દીપડો કુતુહુલ સાથે ભયનો વિષય બન્યો હતો.
દીપડો નજરે પાડવાનો બીજો બનાવ ભરણ ગામ નજીક બન્યો હતો. અહીં નહેરના ગેટની દીવાલ પર દીપડો નજરે પડ્યો હતો. રાતના સમયે ઘણીવાર સુધી દીપડો અહીં બેસી રહ્યો હતો જેના કારણે દ્વિચક્રી વાહન ચાલકોની અવર-જ્વર નહિવત જોવા મળી હતી. જો કે ગામના લોકોએ વનવિભાગને પણ આ બાબતે જાણ કરી દીધી છે.