ભરૂચ જિલ્લાના દહેજ નજીક આવેલા રહિયાદ ગામ નજીક એક ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં તેનું ટેન્કર બાઇકોના ગેરેજમાં ઘૂસી ગયુ હતું, જે બાદ નીચે ખાડીમાં ઉતરી ગયું હતું.
જેમાં ગેરેજમાં રહેલી ત્રણથી ચાર બાઇકોને નુકસાન થયું હતું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેના કારણે મોટા ટેન્કરો અને ટ્રકો માલસામાન લઈને દહેજ માર્ગ પર આવતા જતા હોય છે.

ત્યારે ગતરોજ રાતના એક ટેન્કર ચાલક દહેજ તરફથી જઇ રહ્યો હતો. તે સમયે દરમિયાન તેણે રહિયાદ ગામ નજીક પોતાના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર માર્ગની બાજુમાં આવેલા બાઈકોના ગેરેજમાં ઘૂસાડી દેતા દોડધામ મચી ગઇ હતી. ટેન્કર ગેરેજમાંથી ઘૂસીને માર્ગની નીચે ઉતરી ગયું હતું.
આ અકસ્માતમાં ગેરેજમાં રીપેરીંગ માટે મુકેલી બાઈકોને નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સદનસીબે કોઈ જાનહાની નહીં નોંધાઈ હતી.

