Gujarat

ગરિયાધારમાં દોઢ ઈંચ, પાલીતાણા, ભાવનગર અને સિહોરમાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભાવનગર શહેર અને જિલ્લામાં બીજા દિવસે પણ સવારથી જ સતત વરસાદી માહાલો યથાવત જોવા મળ્યો હતો અને સવારથી જ ધીમીધારે આખો દિવસ વરસાદ વરસ્યો હતો, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદના પગલે ખેડૂતોને વાવણી લાયક વરસાદ થતા હર્ષ વ્યાપ્યો હતો.

સવારથી જ સતત વરસાદ ધીમીધારે અવિરતપણે શરૂ રહ્યો

ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે સવારથી જ ધીમી ધારે અવિરતપણે વરસાદ શરૂ રહેતા વાતાવરણમાં તાપમાનનો પારો ગગડયો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી,લોકો ને ગરમી થી રાહત મળી હતી, જ્યારે ભાવનગર જિલ્લાના ગરિયાધાર અને પાલીતાણામાં ઘોઘમાર વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યાં હતા, આમાં રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીઓ ઉભી થઇ હતી.

ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં રાજ્યના આણંદ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, નવસારી ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા

ભાવનગર જિલ્લામાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં – 3 મિમી, ઉમરાળામાં – 3 મિમી, ભાવનગરમાં – 21 મિમી, ઘોઘામાં – 12 મિમી, સિહોરમાં – 21 મિમી, ગારીયાધારમાં – 38 મિમી, પાલીતાણામાં – 28 મિમી, તળાજામાં – 17 મિમી, મહુવામાં – 11 મિમી તથા જેસરમાં – 19 મિમી વરસાદ વરસ્યો હતો.