Gujarat

ઉના શહેરની હરિઓમ સોસાયટીમાં રહીશો દ્વારા વૃક્ષારોપણ કરાયુ… વૃક્ષોનું જતન કરવા રહીશોએ સંકલ્પ લીધો..

ભારત દેશને આઝાદીમળ્યા પછીના 74 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 139 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. ત્યારે આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ, વૃક્ષારોપણના મહત્વને નજર સમક્ષ રાખીને ઉના શહેરની હરિઓમ સોસાયટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સોસાયટીમાં અલગ અલગ જગ્યા એ વૃક્ષો રોપણ કરી તેનું જતન કરવા સંકલ્પ લીધો હતો.

જેમાં સોસાયટીના પ્રમુખ અર્જુનભાઈ સોલા, ઉપપ્રમુખ સંજયભાઈ પરમાર તથા વિજયભાઈ પરમાર, યોગેશભાઈ ગોહિલ, ભરતભાઈ પરમાર, ભરતભાઈ પંડ્યા સહિતની ઉપસ્થિતિમાં સોસાયટીમાં મુખ્ય રસ્તા પર વૃક્ષો તથા કોમન પ્લોટમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સોસાયટીના દરેક સભ્યોએ આ વૃક્ષોનું જતન કરવાની જવાબદારી સ્વીકારી છે.
આવનાર દિવસોમાં સોસાયટીમાં હજુ વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કર્યુ છે. જો પર્યાવરણની જાળવણી કરવી હોય તો દરેક સોસાયટીઓમાં આ પ્રકારના આયોજનો અચૂકપણે થવા જોઈએ. જેથી વૃક્ષ પૂજન- વૃક્ષારોપણ જ નહિ સાથે વૃક્ષ ઉછેરનો દઢ સંકલ્પ કરીએ અને સાચા વૃક્ષ પર્યાવરણ પ્રેમી બનીએ તેવો સંદેશો લોકોને આપ્યો હતો.