ભચાઉ તાલુકાના જંગી કાંઠાના અભ્યારણ વિસ્તારમાં નમક ઉત્પાદકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને દરિયાઇ કાંઠા વિસ્તારમાં અતિક્રમણ કરાતું હોવાની અનેક ફરિયાદો ઉઠતી રહી છે. દરમિયાન સતત દબાણ પ્રવુતિ હવે ગામના પશુધન માટે મુશ્કેલી સર્જી રહ્યાનું સામે આવ્યું છે.
જંગી કાંઠેના નમકના ઊંડા પારામાં ફરી એક વખત ગાય ફસાઈ હતી. જોકે ગૌપ્રેમીઓ દ્વારા ફસાયેલી ગાયને મોતના મુખેમાંથી બચાવી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં પણ નમકના બીનઅધિકૃત પારામાં ગાય અને ઊંટનાં મોત થઈ ચૂક્યા છે.

આ અંગે જાણવા મળેલી માહિતી મુજબ જંગીના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ચારિયાન ફરતી ગાયો પૈકી એક ગાય નમક માટે બનેલા પાળામાં સરકી જતા ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં માલધારીએ ગ્રામજનોને માહિતી આપી મદદ માંગી હતી.
જેના પગલે અન્ય માલધારી અને જીવદયા પ્રેમી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એક કલાકની ભારે જહેમત બાદ ફસાયેલી ગાયને પાળામાંથી રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર ખસેડી બચાવી લીધી હતી. બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં નમક એકમો સામે ભારે નારાજગી ફેલાઈ હતી.