શહેરમાં થતાં બેરોકટોક ચાઇનીઝ દોરીના વેપારને નાથવા તંત્ર જાગશે સફાળું ?
જેતપુરમાં ચોરીછૂપીથી થતા બેફામ ચાઇનીઝ દોરીના વેચાણ અંગે હજુ ગઈકાલે જ અખબારી અહેવાલો વહેતા થયા હતા કે તંત્ર આ બાબતે મુક બની તમાશો જુએ છે તે વાતની સાબિતી આજે જ થઇ જતા તંત્રની દોરીના વેપારીઓ સાથેની મિલીભગત ઉઘાડી પડી ગઈ છે. આજે ઘાતક ચાઇનીઝ દોરીએ એક યુવાનનું ગળું કાપી નાખતા તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડાયો હતો, સદ્દનશીબે સમયસરની સારવાર મળી જતા તેનો બચાવ થયો છે પણ તંત્ર શહેરમાં ચાઇનીઝ દોરી નથી વેચાતી તેવો પાંગળો કે લૂલો બચાવ નહિ કરી શકે તે કહેવું ઉચિત લાગે છે.
બનાવની મળતી વિગતો મુજબ આજે શહેરના ભાદર સામા કાંઠા વિસ્તારમાંથી પસાર થઇ રહેલા એક યુવાનનાં ગળામાં ચાઇનીઝ દોરી અટવાઈ જતા ગળામાં જોરદાર ચેકા પડી જતા લોહીની ધારો થઇ હતી. આવા સમયે તાત્કાલિક તેમને સારવાર માટે દવાખાને ખસેડાતા તેમનો આબાદ બચાવ થયો છે. જો સમયસર સારવાર ન મળી હોત તો ગંભીર પરિણામ ભોગવવું પડત તેવી દહેશત શહેરીજનોએ વ્યક્ત કરી હતી પણ કહેવાય છે સંબંધિત તંત્રના પેટનું પાણી હજુય હલતું નથી કે કોઈ ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવે.
જાગૃતો આક્ષેપો કરતા કહે છે કે, જ્યાં સુધી સ્થાનિક પ્રસાશન ખાધું, પીધું ને રાજ કર્યું તેવું નીતિથી દુર નહિ થાય ત્યાં સુધી કમાઈ લેવાની લ્હાયમાં વેપારીઓ ચાઇનીઝ દોરીનું વેંચાણ કરતા રહેશે અને મારા, તમારા જેવા અનેક શહેરીજનો પર મોતનું જોખમ ઉભા કરતા રહેશે તેવું કહેવું યોગ્ય લાગે છે. ત્યારે હવે તંત્રે પ્રજાના આક્ષેપોના વળતા જવાબરૂપે કોઈ અસરકારક કામગીરી કરીને ચાઇનીઝ દોરી વેચતા તત્વોને ઝેર કરી શિક્ષાત્મક પગલાં ભરીને પ્રજાની સલામતીની તકેદારી રાખવી જોઈએ તેવું જાગૃતો કહે છે. પ્રસ્તુત તસ્વીરમાં ઘાતક અને ઘણા માટે જીવલેણ સાબિત થયેલી ચાઇનીઝ દોરીનો ભોગ બનેલો યુવાન સારવાર લેતો દેખાય છે.

