Gujarat

જેતપુર પંથકમાં એકાતરા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન: મોઢે આવેલો કોળિયો છીનવાયો

ખેડૂતોને ખેતપાક નુકસાની સહાય તાત્કાલિક આપવા માગણી
સમગ્ર રાજ્યમાં આસોમાસમાં રોજ વરસતો વરસાદ જગતાત ની મુશ્કેલીઓ માં સતત વધારો કરતો જાય છે.ત્યારે સૌરાષ્ટ્ર સહીત રાજકોટ જિલ્લા માં મેઘરાજા આસો માસમાં પણ મન મૂકી ને વરસતા જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લાના જેતપુરના ગ્રામીણ વિસ્તાર માં એક આંતરા વરસતા વરસાદે જગતાત ની ચિંતામાં વધારો કર્યો છે.
હાલ છેલ્લા દસ દિવસથી જેતપુર અને તેના ગ્રામીણ વિસ્તાર એવા ખીરસરા, જેતલસર, ડેડરવા, અમરનગર, સેલૂકા, વિરપુર સહિત અન્ય ગામોમાં વરસતા વરસાદ થી ખેતી આધારિત આ તાલુકા માં ખેતીની મૌસમ શરુ થતા મગફળી ખેડૂતો એ ઉપાડી હોવાથી ક્યાંક મગફળીના પાથરા પાણીના વહેણ માં તણાતા, તો ક્યાંક વરસાદી પાણી ભરાતા તરતા પાથરા , તો ક્યાંક પલળતા પાથરા જોવા મળી રહ્યા છે.
સાથે કપાસમાં આવેલો નવો ફાલ પણ ખરી રહ્યો છે ત્યારે ખેડૂતોને પારાવાર નુકશાની થઈ રહી છે.ત્યારે જગતાત ગણાતા ખેડૂત ને મુખ્ય મૌસમ નો પાક તૈયાર થઈ ગયો અને હાલ મોઢે આવેલો કોળિયો છીનવાતો જોવા મળી રહ્યો છે.
 
ત્યારે હાલ જગતાતની ચિંતા વધતા સમગ્ર તાલુકામાં થયેલી નુકશાની નો સર્વે કરાવી ને તાત્કાલિક સહાય જાહેર કરવા ખેડૂતો માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે. ત્યારે સરકારે વહેલી તકે આ પ્રકિયા શરુ કરી નુકશાની ની સહાય ચૂકવે તેવી લોકમાંગણી પણ જોવા મળી રહી છે.