વંથલી પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની રંજાડ જોવા મળી રહી છે.તો બીજી તરફ દીપડા અને હિંસક પ્રાણીઓના ત્રાસથી અહીંના સ્થાનિકો ભયના માહોલમાં જીવી રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા ગાઠીલા ગામની સીમમાં પાંજરું ગોઠવી ખૂંખાર દીપડાને પકડી પાડવામાં આવ્યો છે.
બે દિવસ પહેલા જ ગાઠીલા ગામના દિનેશભાઈ ભીમાભાઈ ઘાઘસની ગાયનો આ પકડાયેલ દીપડાએ શિકાર કર્યો હતો. તેમજ આ વિસ્તારમાં દીપડા અને હિંસક પ્રાણીઓના ભયના કારણે લોકો રાત્રિના સમયે વાડીએ જવાનું પણ ટાળે છે.
વંથલી પંથકમાં દીપડા દ્વારા શ્વાનના શિકાર પણ કરવામાં આવી રહ્યા છે. જેથી અહીંના સીમ વિસ્તારમાં શ્વાનની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

ગાઠીલા ગામે દીપડાએ ગાયનો શિકાર કર્યાની જાણ વન વિભાગને કરતા ગાઠીલા ગામની સીમમાં પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું.ત્યારે ગત મોડી રાત્રે આ ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વંથલી તાલુકાના ધણફુલીયા, સોનારડી ,ગાઠીલા, શાપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર હિંસક પ્રાણીઓ આવી ચડે છે ત્યારે અહીંના ગામ લોકો સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે. અને વન વિભાગ દ્વારા આ હિંસક પ્રાણીઓ મામલે વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.

