સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લિંબાડા ગામ પાસે પસાર થતી કીમ નદી પર દર ચોમાસાની સિઝનમાં કિમ નદી બે કાંઠે વહેતી હોય છે. જેને લઇને લિંબાડાથી ઘુંટી ગામનો સીધો સંપર્ક તૂટી જતો હતો. સરકાર દ્વારા 3 કરોડથી વધુના ખર્ચે બ્રિજ મંજૂર કરાયો હતો અને લોકસભાની ચૂંટણી પહેલાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ત્યારે 3 કરોડના ખર્ચે બનેલા બ્રિજનાં એપ્રોચ રોડનું ધોવાણ થતાં ફરી લિંબાડા અને ઘૂંટી ગામનો સીધો સંપર્ક તૂટી ગયો હતો. અઠવાડિયા અગાઉ વરસેલા ભારે વરસાદને લઈને કિમ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને કીમ નદીના ધસમસતા પ્રવાહમાં બ્રિજનો એપ્રોચ રોડ ટકી શક્યો ન હતો અને તૂટી ગયો હતો. જેને લઇને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.