માતર APMCમા અઢી વર્ષ પૂરા થતા બાકીની અઢી વર્ષની ટમ માટે ચેરમેનની ચૂંટણી આજે યોજાઇ હતી. જેમાં ભાજપે મેન્ડેડ આપીને પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હતો. જ્યારે કોંગ્રેસે કોઈને મેન્ડેટ આપ્યું ન હતું પરંતુ કોંગ્રેસ પક્ષ પેરિત ઉભેલા ઉમેદવારની જીત થઈ છે.
માતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કુલ 18 સભ્યો છે. જેમાથી 14 સભ્યો ચૂંટાયેલા છે જ્યારે ગામ પંચાયતના સરપંચની એક બેઠક હોય અને બાકીના ત્રણ સભ્યો સરકારના પ્રતિનિધિ છે. આ એપીએમસીમાં અઢી વર્ષની ચેરમેનની મુદત પૂરી થઈ છે.
જેથી બાકીના અઢી વર્ષ માટે ચેરમેનની ચૂંટણી આજ રોજ મંગળવારે માતર ખાતે યોજાઈ હતી. આ એપીએમસીમાં અગાઉના અઢી વર્ષ માટે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર ચેરમેન પદે હતા. જેથી ભાજપે એપીએમસીને કબજે કરવા માટે આ વખતે મેન્ડેડ આપીને પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હતો. જીતવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા.
આ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર ભુરાભાઈ વિરાભાઈ ભરવાડને દસ મત મળ્યા છે જેથી જંગી મતોથી ભવ્ય વિજય થયો હતો જ્યારે ભાજપના મેન્ડેટ ઉપરથી ચૂંટણી લડી રહેલા કાળીદાસ હીરાભાઈ પરમારને આઠ મત મળતા તેમની હાર થઈ છે.

