શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 45.47 કરોડના ખર્ચે 32 નગરપાલિકાઓમાં સીટી સીવિક સેન્ટરોનું ઈ- લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઓખા નગરપાલીકા પેટા કચેરી સુરજકરાડી ખાતે આશરે રૂ. 30 લાખના ખર્ચે તૈયાર થયેલા સિવિક સેન્ટરને પણ નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા ઈ-લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું.

સુરજકરાડી ખાતે સિટી સીવિક સેન્ટરના ઈ-લોકાર્પણ પ્રસંગે નાગરિકોને સંબોધતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ માળખાકીય સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે.

ત્યારે શહેરીકરણના વિસ્તૃતિકરણ થકી નાગરિકોને ઘર આંગણે જ સરકારી સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તે માટે સિટી સિવિક સેન્ટરોનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેવાડાના વિસ્તારોને પ્રથમ વિસ્તાર બનાવવા ખાસ અગ્રતા આપી, સુવિધાઓ પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે.
વધુમાં મંત્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે, પ્રવાસન દૃષ્ટિએ દેવભૂમિ દ્વારકા જિલ્લો અગ્રેસર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે. દ્વારકા નગરી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. છેલ્લા થોડા સમયથી પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે. પ્રવાસન સ્થળ તરીકે દ્વારકાનો વિકાસ થતાં સ્થાનિક વિકાસને વેગ મળશે તેમજ સ્થાનિકોને રોજગારીની નવીન તકો પ્રાપ્ત થતાં તેમના જીવનધોરણમાં સુધારો થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાને હરસિધ્ધિ વન રૂપે દ્વિતીય સાંસ્કૃતિક વનની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મળનાર છે.

આગામી સમયમાં આપણા જિલ્લામાં યોજાનાર રાજ્યકક્ષાના 75 માં વન મહોત્સવ તથા હરસિધ્ધિ વન લોકાર્પણ પ્રસંગે આપ સૌને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ આપ્યું હતું. ઇ-લોકાર્પણ કાર્યક્રમના સુચારુ આયોજન બદલ ઓખા નગરપાલિકા ટીમની સરાહના કરી હતી.

