છોટાઉદેપુર જિલ્લાનાનસવાડી તાલુકાના પલાસણી ગામ પાસે અશ્વિન નદી ઉપર દેડકીઆમલી પલાસણી સહિત ગામોને જોડતા માર્ગ ઉપર સ્લેબડ્રેઇન અને રોડ મંજુર કરવા ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરાતા સરકાર દ્વારા અઢી કરોડનાં ખર્ચ સ્લેબડ્રેઇન મંજૂર કર્યો હતો. અને પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરની પ્રકિયા બાદ એજન્સીને કામનો ઈજારો આપ્યો હતો. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કામની ગુણવતા નાં જાળવતા અને મેજેરમેન્ટ મુજબ સ્ટીલ સ્લેબડ્રેઇનની ડિજાઇન મુજબ નાખવામાં આવતું ના હતું. જયારે 20 એમ એમની કપચી વાપરવામાં આવતી ના હતી. જેવી અનેક ગંભીર ફરિયાદો ઉઠી હતી.

જેને લઇ પંચાયત માર્ગ મકાન વિભાગના દ્વારા કામગીરી સુધારવા અને કામની ગુણવત્તા જાળવવા એજન્સીને નોટિસ પણ પાઠવી હતી. હાલ તે એજન્સી રફુચક્કર થઈ ગઈ છે. એજન્સીએ સ્લેબડ્રેઇનનાં પિલરો બનાવી અર્ધી કામગીરી છોડી માર્ચ માસથી કામગીરી બંધ કરી દીધી છે. જેને લઇ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા એજન્સીને 4 જેટલી નોટિસો પાઠવી છે. છતાંય હજુ સુધી કોન્ટ્રાકટરનું પેટનું પાણી પણ હલ્યું નથી. અને નોટીસોને કોન્ટ્રાકટર ધોળીને પી ગયા હોય તે રીતના કામગીરી શરૂ કરાવતા નથી. જયારે આ કામની મુદ્દત 12 માસની હતી જે મુદ્દત પુન થઈ ગઈ છે. અને તેને પણ બે માસનો સમય વિતી ગયો છે.

જયારે હાલ તો અધિકારીઓ પણ નોટિસો આપી સંતોષ માની રહ્યા છે. જયારે નસવાડી તાલુકામાં આવા અર્ધા કામો છોડી એજન્સીઓ રફુ ચક્કર થઈ જવાની અનેક ઘટનાઓ બની છે. છતાંય અધિકારીઓ કોઈ કડક પગલાં ભર્યા નથી. હાલ તો સરકારનાં કરોડો રૂપિયા વ્યર્થ બન્યા છે. સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટો ફાળવે છે. પરંતુ એજન્સીઓ અર્ધા કામો છોડી જતી રહે છે. જેના કારણે વિકાસને પણ દાગ લાગે છે. અને લોકોને દુઃખ ભોગવવાનો વારો આવતો હોય છે. આ બાબતે ગાંધીનગરનાં અધિકારીઓ અને સરકારનાં મંત્રીઓ ધ્યાન આપી આવી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરી કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

