Gujarat

દયાપરનની પીએમ વિદ્યાલયમાં શિશુવાટિકાના અભ્યાસ કરતા ભૂલકાઓનો વિદ્યારંભ સંસ્કાર યોજાયો, પોથી યાત્રા યોજાઈ

લખપત તાલુકાના દયાપર સ્થિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પીએમ વિદ્યાલયના શિશુ વાટીકા-2માં અભ્યાસ કરતા ભૂલકાઓનો વિદ્યારંભ સંસ્કાર યોજાયો હતો. પાટીદાર વિદ્યાલયના સભાખંડ ખાતે આચાર્ય ભુપેન્દ્ર હોથીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ શિશુ વાટીકા-2 માં અભ્યાસ કરતા નાના ભૂલકાઓના વિદ્યારંભ સંસ્કાર અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ પ્રાર્થના બાદ બાળકોએ તેમજ તેઓના વાલીઓ દ્વારા પુસ્તક પૂજન કરવામાં આવ્યું હતું અને બાદમાં સ્લેટમાં ૐ કાર કરીને કંકુ અક્ષત વડે તેનું પૂજન કરવામાં આવ્યું હતું.

વિદ્યા આરંભના અનોખા કાર્યક્રમ પ્રસંગે બાળકો દ્વારા ગાયત્રી મંત્રો, હોમ હવનની સાથે યજ્ઞવિધિ કરવામાં આવી હતી. વિદ્યારંભ સંસ્કાર પૂર્વે વાજતે ગાજતે પોથી યાત્રા નીકળી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષક સ્ટાફ સહિતના લોકો જોડાયા હતા.

વિદ્યારંભ સંસ્કારને લઈ શિશુ વાટીકાના પ્રધાન આચાર્ય ડિમ્પલબેન દરજીએ જણાવ્યું હતું કે આપણી વૈદિક પરંપરા મુજબ 16 સંસ્કારો પૈકી એક વિદ્યારંભ સંસ્કાર છે અગાઉ ગુરુકુળમાં વિદ્યા અભ્યાસ કરવા માટે જતા બાળકોને ઋષિમુનિઓ પ્રથમ વિદ્યારંભ સંસ્કાર કરાવ્યા બાદ અલગ અલગ શાસ્ત્રોનું શિક્ષણ આપતા હતા એ પરંપરા મુજબ અહીં શિશુ વાટીકામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને વિદ્યારંભ સંસ્કાર કરવા આવે છે,અહીં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાલય સ્ટાફના નયનાબેન ત્રિપાઠી, સાધના પટેલ, વિશ્વા સોની,વૈશાલી શાહ, હિતેશ લીંબાણી સહિતનાએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી.