Gujarat

શાપરમાં સરકારી ખરાબા પર 2 ધાર્મિક, 5 મકાનો, નેશનલ હાઇવે પરના 8 કોમર્શિયલ દબાણો ખડકાયેલા હતા

રાજકોટ નજીકના શાપરમાં આજે બે સ્થળો પર રેવન્યુ તંત્રએ ઓપરેશન ડિમોલીશન હાથ ધરી કરોડોની સરકારી જમીનો પર ખડકાયેલ 2 ધાર્મિક સહિતના 15 દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસ કાફલાને સાથે રાખી નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

જેમાં ઢોલરા રોડ પર સર્વે નં.141ની સરકારી ખરાબાની જમીન પરથી એક સુરાપુરાની ડેરી સહિતના બે ધાર્મિક દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. તેની સાથોસાથ આ જ જમીન પર ખડકાયેલા રહેણાકના 5 મકાનો JCB મારફતે હટાવી રૂ. 1.80 કરોડની આ સરકારી ખરાબાની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

આવી જ રીતે શાપરના નેશનલ હાઈ-વે ઉપર પોલીસ ચોકીના સામેના રોડ ટચ 200 ચો.મી.ની સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર રીતે જમીન પરથી 7-8 જેટલા ચાનાં થડા, કેબીનો, સહિતના કોમર્શીયલ દબાણો તોડી પાડવામાં આવેલ હતા.

જયારે અન્ય બેથી ત્રણ જેટલા દબાણકારોએ સ્વૈચ્છિક રીતે તેઓના દબાણો હટાવી દીધા હતા. નેશનલ હાઈ-વે ટચ આ જમીન પરથી નાયબ મામલતદારની ટીમે 8 જેટલા દબાણો હટાવી રૂ.2.5 કરોડની સરકારી જમીન ખુલ્લી કરી હતી.