Gujarat

ગાંધીનગર શહેરમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃત્તિ અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેલી યોજાઇ : જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અચૂક મતદાન કરો
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકે ઉનાળાની ગરમીને લક્ષમાં રાખીને મંડપ, પાણી જેવી પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં આવનાર છે :- જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે
મતદાન જાગૃત્તિ અર્થે યોજાયેલ રેલીમાં બે હજાર વિદ્યાર્થીઓ જાેડાયા :- વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર અને બેનર દ્વારા મતદાન જાગૃત્તિનો સંદેશ આપ્યો
ગાંધીનગર શહેરમાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે અંગેની જાગૃત્તિ અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો આરંભ સેકટર- ૨૩માં આવેલી કડી સર્વ વિધાલયના ગેટ નં- ૭ થી કરવામાં આવ્યો હતો. આ રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મેહુલ દવે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ રેલીમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણીને લોકશાહી દેશમાં અવસરની જેમ આયોજન થઇ રહ્યું છે. આ લોકશાહીના અવસરમાં સૌ કોઇ સહભાગી બને તેમજ આગામી તા. ૦૭મી મે, ૨૦૨૪ના રોજ રાજયમાં લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન થનાર છે. આ વર્ષે રાજયભરમાં લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન ઐતિહાસિક મતદાન બની રહે તે માટે મતદાન જાગૃત્તિ માટેના અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન મથક પર મતદાર આવે ત્યારે અવસરની જેમ મતદાર ઉત્સાહ સાથે  શાંતિપૂર્ણ, સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવું આયોજન કરાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકે ઉનાળાની ગરમીને લક્ષમાં રાખીને મંડપ, પાણી જેવી પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં આવનાર છે. મતદારો ઉત્સાહપૂર્વક લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે વિદ્યાર્થીઓના માધ્યમથી મતદાન જાગૃત્તિનો સંદેશ તેમના માતા-પિતા અને વાલી તેમજ નાગરિકોને આપવામાં આવી રહ્યો છે.
મતદાન જાગૃત્તિ રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદી, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયાએ લીલી ઝંડી આપી કડી કેમ્પસની આર.જી.કન્યા વિદ્યાલય નજીકના ગેટ નંબર- ૭, સેકટર- ૨૩ ખાતેથી પ્રસ્થાન કરાવી હતી. આ રેલી મતદાન જાગૃત્તિના સૂત્રોચ્ચાર સાથે પંચવટી સોસાયટી, સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કુલથી પ્રેટ્રોલ પંપ થઇને ધ- રોડ પર આવી હતી. ઘ- રોડથી કડી કેમ્પસના ગેટ નંબર – ૮ થઇને ગેટ નંબર- ૭ ખાતે રેલી પૂર્ણ થઇ હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપના નોડલ અધિકારી શ્રી ર્ડા.બી.એન.પ્રજાપતિ, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ર્ડા. પિયુષ પટેલ સહિત શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.