Gujarat

અમદાવાદ જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ મતદારો પણ મતદાન પર્વમાં સહભાગી થશે

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : અમદાવાદ જિલ્લો

ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રજ્ઞાચક્ષુ યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ
પ્રજ્ઞાચક્ષુ મતદારોને સક્ષમ એપ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત કરાયું આયોજન

યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉપરાંત ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી યુવાનોને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

જે અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ મતદારો પણ મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તેમને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા ‘મતદાન જાગૃતિ’ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રજ્ઞાચક્ષુ મતદારોને મતદાન માટેની સક્ષમ એપ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સક્ષમ એપના વિવિધ ફીચર્સ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી. પ્રજ્ઞાચક્ષુ મતદારો સાથે તેમની જ ભાષામાં સંવાદ કરી તમામ જાણકારી આપવામાં આવી હતી.
સૌ પ્રજ્ઞાચક્ષુ મતદારોએ અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવાના શપથ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરેથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત મતદાન મથકો પર સ્વયંસેવકો તથા વ્હીલચેરની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વધુમાં દિવ્યાંગ મતદારો સક્ષમ એપ્લિકેશનની મદદથી મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ મેળવી શકશે.

અમદાવાદ શહેર તથા જિલ્લાના દિવ્યાંગ મતદારો સુગમતાથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્રિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે.