ખંભાળિયા તેમજ ભાણવડ પંથકમાં ચોમાસાના પ્રારંભે જ મેઘ મહેર વરસી હતી અને ખંભાળિયામાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ પોણા 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. આ સાથે ભાણવડ તાલુકામાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા ગઈકાલે જારી કરવામાં આવેલી આગાહીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી ન હતી. તેમ છતાં પણ ગતરાત્રે મેઘાના મંડાણ થયા હતા. ગઈકાલે રાત્રે આશરે ત્રણેક વાગ્યે શહેરમાં જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા.

ગતરાત્રીનો વરસાદ ખંભાળિયા તાલુકામાં 8 મીલીમીટર અને ભાણવડ તાલુકામાં વહેલી સવારનો 4 મીલીમીટર નોંધાયો હતો. આ પછી આજે સવારે છ થી નવેક વાગ્યા દરમ્યાન ભાણવડ તાલુકામાં ધોધમાર 55 મીલીમીટર સાથે સવાર સુધીમાં ભાણવડ તાલુકામાં 59 મીલીમીટર (અઢી ઈંચ) વરસાદ પડી ગયો હતો.

મેઘરાજાએ ખંભાળિયા તાલુકામાં જાણે મુકામ કર્યો હોય તેમ આજે બપોરે એકાદ વાગ્યાથી શરૂ થયેલો ધોધમાર વરસાદ બપોરે પાંચેક વાગ્યા સુધી અવિરત રીતે વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બપોરે 2 થી 4 દરમિયાન મુશળધાર 5 ઈંચ વરસાદ એક સાથે વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ પછી પણ વધુ 2 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આમ, ગતરાત્રીથી ઓળઘોળ થયેલા મેઘરાજાએ પાંચેક વાગ્યા સુધીમાં ધોધમાર કુલ પોણા 10 ઈંચ (241 મીલીમીટર) પાણી વરસાવી દીધું હતું.

