Gujarat

છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ; સંતરામપુરમાં પોણા બે ઇંચ ખાબક્યો, અમરેલીમાં વાવણીનાં શ્રીગણેશ, હેરણ નદીમાં નવા નીર આવ્યા

ગુજરાતમાં ચોમાસું વિધિવત્ રીતે બેસે તે પહેલાં જ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં વાવણીલાયક વરસાદ થઇ જતાં ખેડૂતોએ બળદ જોતરી વાવણીનાં શ્રીગણેશ કર્યાં છે.

અમરેલી જિલ્લામાં વાવણીનાં શ્રીગણેશ

હવામાન વિભાગે અગાઉ સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી, જેમાં 10 અને 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

આગામી 36 કલાકમાં ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે, જેને પગલે આ વર્ષે ભીમ અગિયારસે વાવણીનું મુહૂર્ત સચવાય એવી શક્યતા છે. જોકે, અમરેલીમાં વાવણીલાયક વરસાદ થતાં આજે સવારથી જ ખેડૂતોએ બળદ જોતરી વાવણીનાં શ્રીગણેશ કર્યાં છે.