Gujarat

જાફરાબાદમાં મામલતદાર કચેરી ખખડધજ, અરજદારોને હાલાકી

જાફરાબાદની મામલતદાર કચેરી જર્જરીત હાલતમાં છે. અત્યારે મામલતદાર કચેરી ભાડાના મકાનમાં કાર્યરત છે.

પરંતુ અહીં બીજા માળે કેટલીક શાખા હોવાથી વૃદ્ધ અરજદારોને હાલાકી વેઠવી પડે છે. ત્યારે જાફરાબાદમાં મામલતદાર કચેરીનું બિલ્ડીંગ બનાવવા માટે અરજદારો અને કર્મચારીઓમાં માંગણી ઉઠી છે.

જાફરાબાદ મામલતદાર કચેરીનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી ખાલી કરી દેવાયું હતું. અત્યારે કર્મચારીના રહેણાંક મકાનમાં કચેરી કાર્યરત કરી દેવામાં આવી છે.

અહીં કામગીરી શરૂ છે. પરંતુ અહીં જુદી જુદી શાખાઓ બીજા માળે કાર્યરત છે. જેના કારણે સિનીયર સીટીઝન તથા વિકલાંગો પગથીયા ચડવા મજબુર બન્યા છે.

મુખ્ય ઈ-ધરા શાખાને પણ અન્ય જગ્યાએ ખસેડી દેવામાં આવી છે. જેના કારણે અરજદારોને જુદા જુદા સ્થળે ધક્કા ખાવા પડે છે. અરજદારો હેરાન- પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષથી જાફરાબાદ મામલતદાર કચેરીનું બિલ્ડીંગ જર્જરિત હોવાથી ખાલી કરી દેવામાં આવ્યું છે.

પરંતુ હજુ સુધી નવા બિલ્ડીંગની કામગીરી પણ કરવામાં આવી નથી. કે પછી જર્જરિત ઈમારત ઉતારવામાં પણ આવી નથી. ત્યારે જાફરાબાદ મામલતદાર કચેરીનું બિલ્ડીંગ બનાવવા માટે અરજદારોમાં માંગણી ઉઠી છે.