Gujarat

આરોગ્ય સમિતિની સમીક્ષા બેઠકમાં મંકીપોક્સ, આભા કાર્ડ, દવા છંટકાવ, રોગચાળા, આયુષ્ન કાર્ડ, આયુર્વેદ દવાખાના વગેરે અંગે સૂચના આપતા ચેરમેનશ્રી લીલાબેન ઠુંમર

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય સમિતિના ચેરમેનશ્રીના લીલાબેન ઠુંમરના અધ્‍યક્ષસ્‍થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બાંધકામ, મંકીપોક્સ, આભા કાર્ડ, દવા છંટકાવ, રોગચાળા, આયુષમાન કાર્ડ, આયુર્વેદ દવાખાના, બઢતી, ભરતી, સ્વભંડોળ સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરીને, તે મુજબ કામગીરી કરવા આવશ્યક સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં એ.પી.એલ. અને બી.પી.એલ.કેટેગરીની હાઇ રીસ્ક મધરને રૂ. ૧૫ હજાર સહાય આપવાની  યોજનાનો લાભ આપવા અને ડીલીવરી દરમિયાન સાત દિવસ જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં દાખલ કરવા જણાવાયું હતું.

વધુમાં, મંકીપોક્સનો ગુજરાતમાં કોઇ કેસ નોંધાયો નથી, કેરલમાં કેસ નોંધાયેલા છે. આ વાયરસથી ફેલાતો રોગ છે. આથી, તકેદારીના પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. દરેક લોકોના આભા કાર્ડ કાઢવા માટે એપ્લીકેશન ડાઉનલોડ કરવાની જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું.

ઉપરાંત, પાણીજન્ય રોગચાળા જેવા કે ઝાડા-ઉલ્ટી, કમળો, કોલેરા, ટાઇફોઇડ વગેરેમાં રોગ અટકાયત માટે જરૂરી પગલાં લેવા અને મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવવાની કામગીરી વધુ અસરકારક બનાવવા સૂચનો આપ્યા હતા.

આ ઉપરાંત, જિલ્લામાં પ્રસુતિની નોંધણી ૯૯% કરતા વધુ થાય છે. પરંતુ વહેલી નોંધણી કરાવવા સૂચના અપાઇ હતી. જિલ્લાની લેબોરેટરી અને દવાખાનાની ફરજિયાત નોંધણી કરાવવા સુચના આપવામાં આવી હતી. તેમજ સી.ડી.એચ.ઓ., આર.સી.એચ.ઓ., ઇ.એમ.ઓ., ડેટા મેનેજરની જગ્યા બાબતે કરાયેલી રજુઆત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી ડૉ. પી.કે.સિંઘ, આર.સી.એચ.ઓ.શ્રી, બાંધકામ શાખાના અધીકારીશ્રી, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી, એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી, જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.