ખડસદ ગામે સરદાર સર્કલથી પાસોદરા જતા રોડ પર સ્વિફટ કારનાં ચાલકે એક મોપેડ તથા બાઇકને અડફેટમાં લઈ ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી અકસ્માત સર્જી કાર મુકી ફરાર થઇ જવાનાં મામલે કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પિયુષભાઇ રમેશભાઇ સાવલીયા રહે યોગીચોક સુરતનાં પિતા રમેશભાઈ સાવલીયા, માતા વિમળાબેન પ્લેટીના બાઇક નં.જીજે-05-ઇએલ-7104 અને મામા ઘુસાભાઇ ઇલેક્ટ્રીક મોપેડ નં.જીજે-૫- એલવી-1409 લઇને કામરેજ પોલીસની હદમાં આવેલ ખડસદ ગામની સીમમાં સરદાર સર્કલથી પાસોદરા તરફ જઈ રહ્યા હતા.

જે દરમ્યાન પાછળથી પુરપાટ આવેલા સ્વિફ્ટ કાર નં.જીજે-05-જેએન-3142નાં ચાલકે પોતાની કાર ગલતભરી રીતે હંકારી લાવી સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દઈ ઉપરોક્ત બંને વાહનોને અડફેટમાં લઇ અકસ્માત સર્જી ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો.
જોકે સમગ્ર અકસ્માતની ઘટનામાં ઉપરોક્ત ત્રણેય જણાને ગંભીર ઇજાઓ પહોંચતા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર બનાવ અંગે કામરેજ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા હરકતમાં આવેલી પોલીસે કસુરવાર સ્વિફટ કાર ચાલક વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.