‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ આ સુત્રથી વિશ્વ પ્રસિદ્ધ થયેલા કચ્છમા દેશ વિદેશના પ્રવાસીઓ સરહદી જિલ્લાની મુલાકાતે આવતા રહે છે. ખાસ કરીને ભુજની ઉત્તર દિશાએ આવેલા દુર્ગમ ખાવડા નજીકના કાળા ડુંગર અને ધોરડોના સફેદ રણ સહેલાણીઓની મુખ્ય પસંદગી રહે છે.
પરંતુ ખાવડાથી વિશ્વ ધરોહર ધોળવીરા સુધી જતા રણ ટુ હેવન માર્ગથી ખડીર બેટ વિસ્તારનો નજારો જોવા ખૂબ ઓછા લોકો પહોંચતા હોય છે, અહીં પણ ધોરડો જેવાજ સફેદ રણ માં ચમકતા સફેદ નમકના રંગ નયનરમ્ય બની રહે છે.

ખડીર બેટ વિસ્તારના રતનપર અને અમરાપર ગામની સાથે શિરાંનીવાંઢના નવ કિલોમીટર સુધીમાં પથરાયેલા નમકાચ્છિત રણ વિસ્તારનો નજારો પણ માણવા લાયક છે. અહીંથી પસાર થતો માર્ગ અજાયબી સમાન છે. રોડની બન્ને તરફ અત્યારે ઉનાળામાં પાણી સુકાઈ જતા સફેદ નમક જામી ગયું છે.

સફેદ ચાદર સમાનના આ રોડનો નજારો ગજબ ભાષી રહ્યો છે. આ વિસ્તારમાં જો પ્રવાસન વિભાગ અને વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે રણ દર્શન તથા આસપાસના વિસ્તારમાં આવેલા વન્ય વિસ્તારની મુલાકાત માટેની સુવિધા વિકસાવાય તો અહીં પણ પ્રવાસનમાં વધારો નોંધાય તેમ હોવાનું રતનપરના સરપંચ દશરથભાઈ આહિરે કહ્યું હતું. જો આ વિસ્તારમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવે તો સ્થાનિક લોકો અને વન વિભાગ તથા પ્રવાસન નિગમ ને આવકનો સ્ત્રોત મળી રહે તેમ છે.