Gujarat

ભારતે ફિલિપાઈન્સના સાર્વભૌમત્વને મજબૂત સમર્થન આપ્યું

ચીન અને ફિલિપાઈન્સ વચ્ચેના તણાવ વચ્ચે ભારતે ફિલિપાઈન્સની સાર્વભૌમત્વનું જાેરદાર સમર્થન કર્યું છે. ફિલિપાઈન્સની તેમની મુલાકાત દરમિયાન, ભારતીય વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું હતું કે નવા વૈશ્વિક પરિદ્રશ્યમાં, ભારત અને ફિલિપાઈનસે સંરક્ષણ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવાનો ર્નિણય કર્યો છે. જયશંકરે ફિલિપાઈન્સના વિદેશ મંત્રી સાથે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને ફિલિપાઈન્સ વચ્ચેના વર્તમાન તણાવ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. બંને વિદેશ મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રી જયશંકરે પણ ઈશારામાં ચીનને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી.

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ બોનાબોંગ માર્કોસને મળ્યા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ પણ આપ્યો હતો. આ એક રસપ્રદ સંયોગ છે કે વિદેશ મંત્રી જયશંકરની મુલાકાત દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ સમુદ્ર પેહરેદાર પણ મનીલા પહોંચી ગયું છે. જયશંકરે ભારતીય જહાજની પણ મુલાકાત લીધી હતી. તેમણે જહાજ પરની પોતાની તસવીર સાથે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તેમની ફિલિપાઈન્સની મુલાકાત અને ભારતીય કોસ્ટ ગાર્ડ શિપની હાજરી ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના મજબૂત સંબંધોને દર્શાવે છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ ફિલિપાઈન્સમાં હાજર છે, ત્યારે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો રહે છે. શનિવારે જ્યારે ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ તેના જહાજ પર પુરવઠો લઈને આયુંગિન શોલ આઈલેન્ડ જઈ રહ્યું હતું ત્યારે ચીની કોસ્ટ ગાર્ડ અને મેરીટાઇમ મિલિશિયાએ તેને ચારે બાજુથી ઘેરી લીધું હતું. ચાઈનીઝ કોસ્ટ ગાર્ડે ફિલિપાઈન્સના જહાજને પાણીની તોપો વડે નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું. ચીનના હુમલામાં ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના ત્રણ સૈનિકો પણ ઘાયલ થયા છે.

આ ઘટના બાદ ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. ફિલિપાઈન્સે ચીનના રાજદ્વારીને પણ બોલાવીને ચેતવણી આપી છે. દક્ષિણ ચીન સાગરમાં સરહદને લઈને ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

જ્યારે ફિલિપાઇન્સ પશ્ચિમ ફિલિપાઇન્સ સમુદ્રના ભાગને પોતાનો દાવો કરે છે, ત્યારે ચીન દક્ષિણ ચીન સાગરના અન્ય ભાગોની જેમ તેને પોતાનો દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન દક્ષિણ ચીન સાગરમાં આયુંગિન શોલ આઇલેન્ડને સેકન્ડ થોમસ શોલ કહે છે. રસપ્રદ વાત એ છે કે દક્ષિણ ચીન સાગરમાં આવેલો આ દ્વીપ ફિલિપાઈન્સના તટથી માત્ર ૨૦૦ કિલોમીટર દૂર છે જ્યારે ચીનના દરિયાકાંઠાથી તે ૧૦૦૦ કિલોમીટરથી વધુ દૂર છે.