– એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ રજૂ થશે, ચિત્ર સ્પર્ધા યોજાશે
– ૧૦મીએ સ્ટાર્ટ અપ સ્ટોરીઝ, નિબંધ લેખન તેમજ વક્તૃત્ત્વ સ્પર્ધા યોજાઈ ગઈ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજકોટની સરકારી ઈજનેરી કોલેજમાં વિકાસ સપ્તાહ હેઠળ ૧૧મી ઓક્ટોબરે ‘ઈનોવેશન શૉ’ (સ્ટાર્ટઅપ એક્ઝિબિશન) તથા વિકાસની થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકારી ઈજનેરી કોલેજમાં આચાર્ય ડૉ. કિશોર મારડિયાના માર્ગદર્શન મુજબ, વિકાસ સપ્તાહ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેની માહિતી આપતા ડૉ. જય પંડ્યાએ જણાવ્યું હતું કે, કોલેજ ખાતે ૧૧મી ઓક્ટોબરે બપોરે બે વાગ્યે, ‘ઈનોવેશન શૉ યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રોજેક્ટના ડેમો રજૂ કરશે. આશરે ચારથી પાંચ છાત્રોની બનેલી વિવિધ ૨૦ જેટલી ટીમો દ્વારા પોતાના પ્રોજેક્ટસની રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત વિકાસની થીમ પર ‘ચિત્ર સ્પર્ધા’નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, વિકાસ સપ્તાહ અંતર્ગત આજે ૧૦મી ઓક્ટોબરે કોલેજ ખાતે ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં અગાઉ અભ્યાસ કરી ગયેલા અને હાલ સફળ એન્ટરપ્રિનિયર્સે પોતાની સફળતાની ગાથા રજૂ કરી હતી. જેમાં કોલેજકાળમાં તેઓ હતા ત્યારે શરૂ કરેલા પ્રોજેક્ટથી લઈને તેને પ્રોડક્ટમાં રૂપાંતરિત કરવાથી લઈને માર્કેટમાં લઈ જવા સુધીની યાત્રામાં આવતા પ્રશ્નો અને તેના સોલ્યુશન્સ કેવી રીતે લાવ્યા તેની રોચક ગાથા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં રાજકોટના સ્ટાર્ટ અપ સ્ટુડિયોઝના મેનેજર શ્રી મયૂર વાઢેર તેમજ સંતૃપ્ત આહારના ફાઉન્ડર સુશ્રી રૂચિતા રાઠોડે પોતાની સ્ટોરી રજૂ કરી હતી. આશરે ૧૧૦ જેટલા છાત્રો આ કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમના પેટ્રન તરીકે આચાર્ય ડૉ. કે.જી. મારડિયા રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન વિકાસ સપ્તાહના નોડલ ઓફિસર પ્રો. એમ.પી. જાનીના માર્ગદર્શન હેઠળ ડૉ. પ્રકાશ પીઠડીયા તથા ડૉ. પ્રાપ્તિ પંડ્યાએ કર્યું હતું. આ ઉપરાંત આજે વક્તૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં છાત્રો જોડાયા હતા.

આ ઉપરાંત છાત્રો ઉદ્યોગ સાહસિકતા તરફ પ્રેરાય તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે. એસ.એસ.આઈ.પી. અંતર્ગત વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કરી શકે અને સરકાર તરફથી કઈ રીતે સહાય મળી શકે તેના માટે માર્ગદર્શક સેશન રાખવામાં આવ્યા છે.

