Gujarat

કુકમા પાસે 108 કિમી પ્રતિ કલાકની ઝડપ વટાવી, અમદાવાદ 22 મિનિટ મોડી પહોંચી

નમો રેપીડ ટ્રેનનો ભુજથી પ્રારંભ થતાની સાથે કચ્છમાં રેલવે સેવાનો નવો અધ્યાય લખાયો છે. પ્રથમ દિવસે પ્રસ્થાન અને સ્ટેશન પર કાર્યક્રમોના લીધે ટ્રેન પોતાના નિર્ધારિત સમય સાંજે 4.05ના બલે 16 મિનિટ મોડી 4.21 વાગ્યે ઉપડી હતી.

આમ પહેલા જ દિવસે ટ્રેન સમયસર ઉપડી શકી ન હતી. મોડી પડવાના કારણે ક્રમશ: ટ્રેન વિરમગામ સુધી 33 મિનિટ મોડી ચાલી રહી હતી. જોકે ટ્રેને પોતાની સ્પિડનો પરચો બતાવતા અનેક સ્ટેશન વચ્ચે 100 કિમી પ્રતિકલાકની ઝડપ પણ ધારણ કરી હતી.

પ્રથમ દિવસે ભુજથી અંજાર વચ્ચે 42 કિમીનું અંતર રેપીડ ટ્રેને 31 મિનિટમાં કાપ્યુ હતું. અંજાર, ગાંધીધામ અને ભચાઉ સહિતના સ્ટેશનો પર મોટી સંખ્યામાં લોકો અને અગ્રણીઓ ટ્રેનનું સ્વાગત કરવા પહોંચ્યા હોવાથી આ તમામ સ્ટેશનો પર નિર્ધારિત કરતાો થોડી મિનિટો વધારે ટ્રેન થોભી હતી. જેના પગલે ટ્રેન મોડી પડી હતી.

ભુજથી સામખિયાળી 111 કિમીનું અંતર રેપીડ ટ્રેને સરેરાશ 47 કિમી પ્રતિકલાકની ઝડપે 2.19 કલાકે કાપ્યું હતું. સામખિયાળી ટ્રેન 6.02 વાગ્યાના બદલે 6.40 કલાકે 38 મિનિટ મોડી પહોંચી હતી.

જોકે ત્યારબાદ ટ્રેને ઝડપ વધારી હતી. અને વિરમગામ રાત્રે 8.20 વાગ્યે પહોંચી હતી. આમ ભુજથી વિરમગામ 293 કિમીનું અંતર ટ્રેને 58.80 કિમી પ્રતિકલાકની ઝડપે 4.59 કલાકે કાપ્યું હતું. અમદાવાદ રાત્રે 10.15 વાગ્યાના બદલે 22 મિનિટ મોડી 10.37 એ પહોંચી હતી.