ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ, કોલેજમાં મનોવિજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં અવનવા સર્વે કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં આ વિભાગમાં અભ્યાસ કરી રહેલ કરન પરમારએ ‘બ્રેઇનવોશ એક સામાજિક દૂષણ’ સંદર્ભમાં મનોવૈજ્ઞાનિક સર્વે કર્યો છે.
આ સર્વે ગુગલ સીટ મારફતે ઓનલાઇન કર્યો હતો. જેમાં કોલેજના આચાર્ય પ્રો.ડો. મહેન્દ્રકુમાર દવે, મનોવિજ્ઞાનના HOD ડો. પ્રકાશભાઈ વિંછીયા અને ડો. અર્પિતાબેન ચાવડાએ સતત માર્ગદર્શન આપ્યું હતું.
વિદ્યાર્થીના આ સર્વેમાં સંશોધનનું પરિણામ જોઈએ તો, આ સંશોધનમાં કુલ 75 પુરુષો અને 4 સ્ત્રીઓ કુલ મળીને 118 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી 77.1% લોકો નોકરી/વ્યવસાયમાં સંકળાયેલા હતાં જ્યારે અન્ય 22.9% શાળા/કોલેજમાં અભ્યાસ કરતાં હતાં. બ્રેઇનવોશ એ માનસિક દૂષણ છે તેવું 89.8% લોકોનું માનવું છે, જ્યારે 10.2% આ વિધાન સાથે અસહમતતા દર્શાવે છે.
આ ઉપરાંત 85.6% લોકો એમ માને છે કે પૈસા પડાવવા માટે લોકો અન્યનું બ્રેઇનવોશ કરતાં હોય છે, જ્યારે, અન્ય 14.4% આ સાથે અસહમતી દર્શાવી છે. બ્રેઇનવોશનો સૌથી વધુ ભોગ કઈ જાતિમાં જોવા મળે છે તે અંગે સંશોધન કરવામાં આવ્યું ત્યારે તેના પરિણામમાં 73.7% સ્ત્રી અને 26.3% પુરુષ આ દૂષણનો ભોગ બનતાં હોય છે.
88.1% લોકોનું માનવું છે કે, મનોવૈજ્ઞાનિક સારવાર (જેવીકે, CBT, ડીપ્રોગ્રામિંગ, PTSD)થી બ્રેઈનવોશિંગની પ્રક્રિયા નાબૂદ કરી શકાય છે જ્યારે, 11.9% લોકોનું માનવું છે કે મનોવૈજ્ઞાનિક સારવારથી બ્રેઈનવોશિંગની પ્રક્રિયા નાબૂદ કરી શકાતી નથી. બ્રેઇનવોશને કારણે મનુષ્યને માનસિક સમસ્યાની સાથે સાથે શારીરિક સમસ્યા ઉદ્દભવે છે તે સંદર્ભમાં સંશોધન કરવામાં આવ્યું ત્યારે તેના પરિણામ સ્વરૂપે 88.1% લોકો શારીરિક સમસ્યા સર્જાય છે તેમ માને છે જયારે, 11.9% લોકો આ વિધાનમાં અસહમતતા દર્શાવે છે.
આ સંશોધનનાં સૂચનો જોઈએ તો, કોઈપણ માહિતી સ્વીકારતા પહેલાં તર્કશક્તિથી તેની સચ્ચાઈનું મૂલ્યાંકન કરવું જોઈએ, દરેક તથ્ય વિશે પ્રશ્ન પૂછો, “કેમ ?”, “શા માટે ?”, “કોના માટે ?”, જેવા પ્રશ્ન પૂછો જેનાથી બૌદ્ધિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે. તમારા પોતાના મંતવ્યોને ચકાસો અને પડકારો તથા તેની સાથે-સાથે અન્ય લોકોના મંતવ્યોને તટસ્થતાપૂર્વક સાંભળો.
જો કોઈ તમારી લાગણીઓનો ઉપયોગ કરીને તમને મજબૂર કરવાનો પ્રયત્ન કરે, તો અવગણો અને પરિસ્થિતિનું તર્કશીલમૂલ્યાંકન કરો. બ્રેઈનવોશિંગની રીતો (જેમકે, દબાણ, પુનરાવૃત્તિ, અલગાવ) વિશે જાણો જેથી તમે તે દૂષણને ઓળખી શકો, મજબૂત વિચારશીલ રાખો તથા પોતાના સમાજમાં મૂલ્યો, રીતિ-રિવાજો, સંસ્કૃતિને જાળવી રાખો, મીડિયા કે સોશિયલ મીડિયા પર દેખાતા દરેક દાવા (ઘટના) તાત્કાલિક ન માનો, વિવિધ દ્રષ્ટિકોણથી માહિતી મેળવો, મનોબળ મજબૂત બનાવો.
તેના માટે નિયમિત ધ્યાન, યોગ, તથા અન્ય મનોવૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરો, કોઈ નિર્ણય, ન્યુનત્તમ વિચાર અથવા માન્યતાના લાંબા ગાળાનાં પ્રભાવ શું હશે તેના વિશે વિચારો ત્યાર પછી તેનું અમલીકરણ કરો. જો માહિતી પુરાવા વિના છે અર્થાત કોઇ માહિતી ઉદાહરણ/ઘટના સાથે જોડાયેલી નથી તો તે માહિતી અનુસરવી જોઈએ નહીં તેમ સંશોધન કરનાર કરન પરમારએ જણાવ્યું છે.