Gujarat

વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી

પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વાદે મીઠા દાડમની બજારમાં માંગ વધતા ખેડૂતનું ઉત્સાહવર્ધન
બોડેલી તાલુકાના વાલપરી ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા જીતેન્દ્રભાઈ રાઠવાએ પોતાના પાંચ વિઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરક બન્યાં છે. તેઓએ સિંદુરી દાડમના ટીસ્યુ કલ્ચરના ૧૦૦૦ પ્લાન્ટ લગાવ્યા છે. જેમાં તેઓએ છોડના મૂળમાં ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા જીવામૃત, રક્ષામૃત નિયમિત આપી પ્રાકૃતિક રીતે ઉછેર કરી રહ્યાં છે.
નાસિકની મુલાકાત દરમિયાન દાડમના ખેતી તરફ આકર્ષિત થનારા શ્રી રાઠવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, પ્રથમ વાર એક છોડ પર 10 કિલો ઉત્પાદન મળ્યું છે. પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત દાડમનું વજન અંદાજિત 200 થી 500 ગ્રામ જેટલું મળે છે. દાડમના છોડવા પર પ્રથમ કટીંગ કર્યા બાદ મધમાખી દ્વારા ક્રોસીંગ કરવામાં આવ્યું, જેથી તમામ છોડ પર એક સાથે ફુલો લાગવાનું શરૂ થતા બાદ ૧૨૦ દિવસમાં ફળ આવવાનું શરૂ થઇ જાય છે. દાડમ પર ચમક લાવવા તેઓ ખાસ બીલા તૈયાર કુદરતી અમૃતનો છંટકાવ કરું છે. નિંદામણ બહાર ન ફેકતા વાડીમાં છોડવાની આસપાસ રહેવા દઈએ છે જેથી સારા પ્રમાણમાં અળસિયાઓનો વિકાસ થાય છે.
ઉલ્લેખનીય છે કે, જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતીને અપનાવીને બાગાયતી પાકોને પ્રાધાન્ય આપ્યું છે. આજે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત શાકભાજી, ફળફળાદીની બજાર માંગ વધી રહી છે. સ્વાભાવિક છે કે શ્રી રાઠવા પણ દાડમના વેચાણની સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓ ઉત્પાદિત ફળોનું વેચાણ વડોદરાના ખંડેરાવ માર્કેટમાં કરે છે. શ્રી રાઠવા પ્રાકૃતિક ખેતીને વધુ મહત્વ આપી રહ્યાં છે, તેઓ ભાવિ પરિસ્થિતિથી વાકેફ થઈને વર્ષ  ૨૦૨૧માં પ્રાકૃતિક ખેતી અપનાવી હતી. તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીને અપનાવવા પ્રેરિત કરે છે.