Gujarat

અનેક સ્થળોએ ઉઘાડ નીકળતા લોકોએ રાહત અનુભવી; જિલ્લામાં ખેત નુકસાનીનો સરવે કરવા કિસાન સંઘની માંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સપ્તાહ દરમિયાન વરસી ગયેલા અતિભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસથી જિલ્લાના તમામ ભાગોમાં મહદ અંશે મેઘ વિરામ રહ્યો છે. સૂર્યનારાયણના દર્શન થતા લોકોએ રાહત અનુભવી છે.

સમગ્ર રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દ્વારકા તેમજ કલ્યાણપુર તાલુકો અતિભારે વરસાદના કારણે ભારે ચર્ચામાં આવી ગયો છે. આ સપ્તાહમાં મેઘરાજાએ તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવતા ઠેર-ઠેર ભારે ખાનાખરાબીના દૃશ્યો જોવા મળ્યા હતા, પરંતુ ગઈકાલે જિલ્લાના તમામ ભાગોમાં ક્યાંય પણ વરસાદ વરસ્યો ન હતો.

છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના તમામ ચાર તાલુકાઓ ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડમાં વરસાદનો 0 ફીગર જાહેર થયો છે. જિલ્લામાં સૌથી વધુ દ્વારકામાં 54, કલ્યાણપુરમાં 50, ખંભાળિયામાં 42 અને ભાણવડમાં સાડા 28 ઈંચ કુલ વરસાદ વરસી ચૂક્યો છે. ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આજે સવારે ઉઘાડ વચ્ચે તડકો નીકળતા ધરતીપુત્રોએ રાહતની લાગણી વ્યક્ત કરી છે.

કલ્યાણપુર તથા દ્વારકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો કે જે અતિભારે વરસાદના કારણે પૂર પ્રભાવિત થયા છે અને અનેક ગામોના ખેતરોમાં ધોવાણ તેમજ ઊભા પાકને વ્યાપક નુકસાની થવા પામી છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ, પાનેલી, ટંકારીયા, હરીપર, માલેતા, સહિતના ગામો તેમજ દ્વારકાના ગઢેચી, વસઈ, બાટીસા, મોજપ સહિતના જુદા જુદા ગામોમાં ખેડૂતોને વ્યાપક નુકસાની થવા પામી છે. જે અંગેનો સરકાર દ્વારા તાકીદે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તે માટેની માગ ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવી છે.