Gujarat

ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન, ભાજપ વિરોધી મતદાનની હાંકલ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ રાજપૂત સમાજની મહિલા અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં શરૂ થયેલા ક્ષત્રિય સમાજના આંદોલનના ભાગરૂપે જામનગર નજીક શુક્રવારે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં રાજપૂત સમાજના આગેવાનોએ નમવાની તૈયારી નથી હોવાનું જણાવી ભાજપ વિરોધી મતદાન કરવાની હાંકલ સમાજના ભાઇઓ-બહેનોને કરી હતી. ગામડે-ગામડે ધર્મરથ પછી પાર્ટ-3 આંદોલનમાં સમિતિ બનાવાશે તેમ જણાવ્યું હતું.

ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજયભરમાં ક્ષત્રિય સમાજનું આંદોલન વેગવાન બની રહ્યું છે. ત્યારે શુક્રવારે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા બાયપાસ પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું.

જેમાં જામનગર સહિત ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજ, કરણીસેનાના આગેવાનો અને મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, મંત્રીઓએ સરકારને સમજાવાનો પ્રયાસ કર્યો હતો આમ છતાં કોઇ પરિણામ આવ્યું નથી ત્યારે સમાજ અંગે કરેલી ટિપ્પણી સામે નમવાની કોઇ તૈયારી નથી અને 7 મે ના મતદાનના દિવસે જય ભવાનીના નારા સાથે ભાજપ વિરોધી મતદાન કરવા રાજપૂત સમાજના ભાઇઓ અને બહેનોનો હાંકલ કરી હતી.