દેવભૂમિ દ્વારકા ખાતે એલ.સી.બી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ મારુ તથા પીઠાભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે નરસંગ ટેકરી વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમી રહેલા અકબર ઓસમાણ ગજણ અને કાનાભા લખમણભા માણેક નામના બે શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 11,800 રોકડા તથા રૂપિયા 5,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 16,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ દરોડા દરમિયાન અશોકભાઈ ગોંડલવાળા નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ખંભાળિયા નજીકના શક્તિનગર વિસ્તારમાં રહેતા જાગૃતિબેન અનિલભાઈ કણજારીયા નામના 28 વર્ષના પરણીત મહિલાને છેલ્લા નવેક વર્ષથી હૃદયના વાલ્વની બીમારી હોય, જેના કારણે તેમને ચારેક માસથી સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શ્વાસની તકલીફ ઉપડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
જે અંગેની જાણ મૃતકના પતિ અનિલભાઈ દેવરાજભાઈ કણજારીયાએ અહીંની પોલીસને કરી છે. કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અરજનભાઈ જીવાભાઈ આંબલીયા નામના 54 વર્ષના આધેડે તા. 01-9-2017 થી તા. 10-3-2021 દરમિયાન ભાટિયાના રહીશ મનસુખલાલ હરિદાસ દાવડા અને પ્રતીક મનસુખલાલ દાવડા પાસેથી બે ટકા લેખે 40 લાખ રૂપિયા આજે લીધા હતા.
સમયાંતરે તેમણે રૂપિયા 86.50 લાખ રોકડા આપી દીધા પછી પણ વ્યાજ અને મુદ્દલ સહિત રૂપિયા 72.50 લાખની માંગણી કરી, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, બેન્કના ચેક લખાવી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે. દ્વારકા નજીકના બરડીયા ગામેથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા નાયા દુદા ચાસીયા, વેજાભા જગાભા માણેક, જેઠા પેથા ચાસીયા, મનસુખ ભાયા વારસાખિયા, રાણા નાગાજણ સાદીયા, ખીમરાજ પાલા સાદીયા અને ભૂરા રાજશી સાદીયા નામના સાત શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 12,370નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં મીઠાપુર પોલીસે બકાલા માર્કેટ પાસેથી ભીખલ રમેશ સંચાણિયા અને અજય મનોજ ગોપને જુગાર રમતા ઝડપી લઇ મુદ્દામાલ કબજે કર્યો હતો.